2019ની રેપ પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ સલમાન ખાન સહિત 38 સેલેબ્સ વિરુદ્ધ દિલ્હીમાં કેસ
મુંબઈ, 2019માં હૈદરાબાદમાં થયેલો ગેંગરેપ ચર્ચામાં રહ્યો હતો. પીડિતાને ન્યાય અપાવવા માટે દેશના લાખો લોકોએ અવાજ ઉઠાવ્યો હતો, જેમાં સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સહિતના બિગ સ્ટાર્સ પણ સામેલ હતા. જોકે, આ તમામ સેલેબ્સે સો.મીડિયામાં રેપ પીડિતાની ઓળખ ઉજાગર કરી હતી અને હવે આ અંગે ફરિયાદ થઈ છે.
દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીએ બોલિવૂડ સ્ટાર્, ટોલિવૂડ એક્ટર્સ, ક્રિકેટર્સ તથા RJ (રેડિયો જોકી) સહિત 38 સેલેબ્સ વિરુદ્ધ રેપ પીડિતાનું નામ જાહેર કરવા પર કેસ દાખલ કર્યો છે. ગૌરવે દિલ્હીના સબ્જીમંડી પોલીસ સ્ટેશનમાં ભારતીય કલમ 228A હેઠળ કેસ કર્યો છે અને તીસ હજારી કોર્ટમાં અરજી કરી છે. ગૌરવે કહ્યું હતું કે આ સ્ટાર્સે જનતા માટે ઉદાહરણરૂપ બનવું જોઈએ. જોકે, તેમણે કાયદો તોડીને રેપ પીડિતાની ઓળખ જાહેર કરી હતી. કેસ દાખલ કર્યા બાદ વકીલે આ તમામ સેલેબ્સની ધરપકડની માગણી કરી છે.
વકીલ ગૌરવ ગુલાટીએ સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, અભિષેક બચ્ચન, ફરહાન અખ્તર, અનુપમ ખેર, પરિણીતી ચોપરા, દિયા મિર્ઝા, સ્વરા ભાસ્કર, રકુલ પ્રીત સિંહ, યામી ગૌતમ, રિચા ચઢ્ઢા, કાજલ અગ્રવાલ, શબાના આઝમી, હંસિકા મોટવાની, પ્રિયા મલિક, અરમાન મલિક, કરનવીર બોહરા, ડિરેક્ટર મધુર ભંડારકર, સાઉથ એક્ટર રવિ તેજા, અલ્લુ શિરીષ, ક્રિકેટર હરભજન સિંહ, શિખર ધવન, નિધી અગ્રવાલ, ચાર્મી કૌર, આશિકા રંગનાથ તથા RJ સાઇમા વિરુદ્ધ ફરિયાદ કરી છે.