2022માં ખોડલધામ ખાતે 2017 જેવો ભવ્ય પાંચ દિવસીય મહોત્સવ ઉજવાશે, ઓલ ઇન્ડિયા કન્વીનર મીટમાં નિર્ણય
ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને ત્રણ વર્ષ સંપન્ન, કાગવડ ખોડલધામ મંદિરે યોજાઈ ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ
ઓલ ઇન્ડિયા કન્વીનર મીટની સાથે યજ્ઞ અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
મને ગૌરવ થાય છે કે ખોડલધામને સમાજ પોતાનું ગણે છેઃ નરેશભાઈ પટેલ
રાજકોટઃ સૌરાષ્ટ્રની ધરા પર આજથી ત્રણ વર્ષ પહેલાં જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે શ્રી ખોડલધામ મંદિરનો પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. 21 જાન્યુઆરી 2017ના રોજ રુમઝુમ પગલે મા ખોડલ સહિત 21 દેવી-દેવતા ખોડલધામ મંદિરમાં બિરાજમાન થયા હતા. શ્રી લેઉવા પટેલ સમાજની સંગઠન શક્તિથી ઉભું થયેલું ખોડલધામ મંદિર ત્રણ વર્ષ પહેલાં રાષ્ટ્રને સમર્પિત થયું ત્યારથી દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે ખોડલધામ મંદિરને ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 21 જાન્યુઆરી 2020ને મંગળવારના રોજ ખોડલધામ મંદિરે ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આયોજિત આ ઓલ ઇન્ડિયા કન્વીનર મીટમાં કન્વીનરો, સહકન્વીનરો સહિત 5 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામ ટ્રસ્ટના આગામી પ્રકલ્પો સમાજની વચ્ચે મૂક્યા હતા.
ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પરિવાર દ્વારા ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ, હવન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 8 કલાકેથી હવન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જિલ્લા કન્વીનરો દ્વારા “રંગમંચ” ખાતે હવન કરાયો હતો. બાદમાં ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. બાદમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ત્યારબાદ વાજતે ગાજતે ધ્વજાજીના સામૈયા કરવામાં આવ્યા હતા અને મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ એડમિન ઓફિસમાં આવેલા કોન્ફરન્સ હોલમાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સાથે તમામ જિલ્લા કન્વીનરોની એક બાદ એક મીટિંગ યોજાઈ હતી.
ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે હાજર લોકોને સંબોધન કરતાં કહ્યું કે, ત્રણ વર્ષની અંદર મંદિર પરિસરમાં જે રીતે કામ થયું છે તે આપણા બધાના સહિયારા પ્રયાસનું પરિણામ છે. મા ને બિરાજમાન થયાના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ફરીથી પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ ઉડીને આંખે આવે છે. મંદિર પરિસરની સ્વચ્છતા અને સાફ-સફાઈ અંગે વાત કરતાં નરેશભાઈ પટેલે કહ્યું કે, 2017માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે 75 લાખની જનમેદની વચ્ચે પણ ક્યાંય કાગળનો ટુકડો જોવા મળ્યો નહતો અને આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે સાથે હોઈએ. આપણા બધાના મન એક છે અને મને ગૌરવ થાય છે કે ખોડલધામને સમાજ પોતાનું ગણે છે.
મંદિર નિર્માણ બાદના ટ્રસ્ટના આગામી વર્ષોમાં શિક્ષણ, કૃષિ અને આરોગ્ય અંગેના પ્રકલ્પો વિષે વાત કરતાં નરેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ, 42 એકરમાં પહેલું રોલ મોડેલ રાજકોટ બનાવે તે દિશામાં ઝડપથી કાર્યવાહી આગળ વધે તે માટે ટીમ કાર્યરત છે અને એક વર્ષની અંદર સમાજ માટે ઘણું બધું કામ કરીશું.. આ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સેવાની હૂંફ બીજા જિલ્લાઓમાં આપી શકીએ તે અંગે કામ કરી રહ્યા છીએ. આગામી 2022માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે 2017 મુજબનો પાંચ દિવસીય અવસર ઉજવવાની ઇચ્છા નરેશભાઈ પટેલે હાજર લોકો સમક્ષ મૂકતા સૌએ આ વાતને વધાવી લીધી હતી. નરેશભાઈ પટેલે પોતાની વાત મૂકતા કહ્યું કે 2022માં પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ફરીથી આપણે ગામે ગામ રંગોળી કરવી છે, માતાજીનો રથ ફેરવવો છે.
શ્રી ખોડલધામ મંદિરે યોજાયેલી આ કન્વીનર મીટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથી ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, જિલ્લા કન્વીનર, તાલુકા કન્વીનર, ગ્રામ્ય કન્વીનર, સોસાયટી કન્વીનર,વોર્ડ કન્વીનર, શ્રી ખોડલધામ મહિલા સમિતિના સભ્યો, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, સમાજની સંસ્થાના સભ્યો, તમામ સોશિયલ ગ્રુપના સભ્યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવારના સભ્યો સહિત કુલ 5 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ મા ખોડલનો મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા હતા.