Western Times News

Gujarati News

અલંગ શિપ યાર્ડમાં તોડવા માટે 10 વર્ષમાં સૌથી ઓછા શિપ વર્ષ 2023માં આવ્યા

File

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ફ્રેઈટ રેટના કારણે મોટો ફટકો પડ્યો-એક સમયે દર વર્ષે સરેરાશ 300 શિપ તૂટવા માટે આવતી હતી- જે વર્ષ 2023માં માત્ર 136 શિપ જ આવી હતી 

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં અલંગ ખાતે વિશ્વમાં સૌથી મોટો શિપ રિસાઈક્લિંગનો ઉદ્યોગ ચાલે છે જેને તાજેતરમાં મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ફ્રેઈટ રેટના કારણે મોટો ફટકો પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાતા સમુદ્રમાં જોખમી સ્થિતિ હોવાના કારણે રિસાઈક્લિંગ માટે અલંગ આવતા શિપની સંખ્યા એક દાયકાના તળિયે પહોંચી ગઈ છે.

વર્ષ ૨૦૧૬માં અલંગ ખાતે ૩૧૩ શિપ રિસાઈક્લિંગ માટે આવ્યા હતા જેની સંખ્યા ૨૦૧૭માં ૨૩૦ અને ૨૦૧૮માં ૨૫૮ હતી. ત્યાર પછી ૨૦૧૯માં માત્ર ૧૯૦ શિપ, ૨૦૨૦માં ૧૯૯ શિપ, ૨૦૨૧માં ૨૦૫ આવ્યા હતા. ત્યાર પછી તો આંકડો ૧૫૦ શિપથી પણ નીચે જતો રહ્યો છે. ૨૦૨૨માં અલંગ ખાતે ૧૪૧ શિપ આપ્યા હતા જ્યારે વર્ષ ૨૦૨૩માં સૌથી નબળો દેખાવ હતો અને માત્ર ૧૩૬ શિપ રિસાઈક્લિંગ માટે આવ્યા હતા.

ભાવનગર પાસે અલંગમાં સ્થિતિ એવી છે કે શિપ રિસાઈક્લિંગ ઉદ્યોગ ગમે ત્યારે ખતમ થઈ જાય તેમ છે. અલંગ શિપ રિસાઈક્લિંગ એસોસિયેશનના સેક્રેટરી હરેશ પરમાર કહે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં સુધારાના કોઈ સંકેત જોવા મળતા નથી. તેમણે કહ્યું કે અલંગ શિપ રિસાઈક્લિંગ ઈન્ડસ્ટ્રીમાં કુલ ૧૩૦ પ્લેટ છે જેમાંથી માત્ર ૩૦ પ્લોટ હાલમાં ઓપરેશનલ છે.

છેલ્લા અઢી મહિનામાં લેબર માત્ર ૧૫ દિવસ કામ કરે છે. ૨૦૨૩માં છેલ્લા એક દાયકામાં સૌથી ઓછા શિપ અલંગ આવ્યા હતા. અલંગમાં આટલી ઓછી સંખ્યામાં શિપ આવ્યા તેના ઘણા કારણો છે. એક તો, કોવિડ પછી ફ્રેઈટ રેટ વધી ગયા છે. તેના કારણે કંપનીઓ શિપને રિસાઈક્લિંગ માટે મોકલતી નથી અથવા શક્ય હોય ત્યાં સુધી મોડું કરે છે.

રાતા સમુદ્રમાં કટોકટીના કારણે ફ્રેઈટ રેટમાં મોટો વધારો થયો છે. રાતા સમુદ્ર દ્વારા સુએઝ કેનાલમાં એન્ટ્રી કરી શકાય છે અને આખી દુનિયાની શિપિંગ ચેનલમાં તે બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ કેનાલના કારણે એશિયા અને યુરોપ વચ્ચેનું અંતર લગભગ અડધું થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.