2024માં ચંદ્ર પર પહેલીવાર મહિલા ડગ માંડશેઃ મિશન પર 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
વોશિંગટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA ફરી એકવાર ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે. 1972માં પહેલીવાર ચંદ્ર પર મનુષ્યને મોકલવામાં આવ્યા હતા. NASA પ્રમુખ જિમ બ્રિડેનસ્ટીનએ જણાવ્યું કે, નાસા 2024મા૦ ચંદ્ર ઉપર પહેલી મહિલા એસ્ટ્રોનૉટ ને ઉતારવાની યોજના બનાવી રહ્યું છે. આ મિશન પર એક પુરૂષ એસ્ટ્રોનૉટ પણ સાથે જશે. નાસા મુજબ આ મિશનની શરૂઆત ચંદ્ર વૈજ્ઞાનિક શોધ, આર્થિક લાભ અને નવી પેઢીના શોધકર્તાઓને પ્રેરણા આપવા માટે કરવામાં આવી રહી છે.
નાસા પ્રમુખે બ્રીફિંગમાં કહ્યું કે, આ મિશનમાં બજેટને લઈને થોડી અડચણ છે, કારણ કે દેશમાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી છે. જો અમેરિકન સંસદ ડિસેમ્બર સુધી પ્રારંભિક બજેટ તરીકે 23 હજાર 545 કરોડ રૂપિયાની મંજૂરી આપી દે છે તો અમે ચંદ્ર પર પોતાના અભિયાનને હાથ ધરી શકીશું.
તેઓએ જણાવ્યું કે, આ મિશનમાં નાસા ચંદ્રના ક્યારેય ન ખેડાયેલા સાઉથ પોલ પર અંતરિક્ષયાનનું લેન્ડિંગ કરશે. આ મિશન 4 વર્ષમાં પૂરું થશે અને તેની પર લગભગ 28 બિલિયન ડૉલરનો ખર્ચ થશે. બ્રિડસ્ટીને કહ્યું કે, આ મિશનમાં નવા પ્રકારની વસ્તુઓની શોધ થશે. તેમાં પહેલા કરવામાં આવેલી વૈજ્ઞાનિક શોધથી ભિન્ન શોધ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે 1969ના એપોલો મિશન સમયે અમને લાગતું હતું કે ચંદ્ર સૂકો છે, પરંતુ હવે અમને જાણવા મળ્યું છે કે ચંદ્રના સાઉથ પોલ પર મોટી માત્રમાં પાણી ઉપલબ્ધ છે. હાલમાં ત્રણ લ્યૂનર લેન્ડરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે અંતરિક્ષ યાત્રીકોને લઈ જશે.