2024માં ટ્રમ્પ ફરી લડી શકે છે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી

કેપિટોલ હિલ હિંસામાં સંડોવણી બદલ હાઉસ સિલેક્ટ કમિટીએ તેમને સમન્સ જાહેર કર્યા બાદ ટ્રમ્પનું નિવેદન
વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. શનિવારે, તેમણે સંકેત આપ્યો છે કે તેને ફરીથી આવું કરવું પડી શકે છે.
હજારોની ભીડને સંબોધતા ટ્રમ્પે કહ્યું, “મેં બે વાર ચૂંટણી લડી અને બંને વખત જીતી. મેં પહેલી વખત કરતાં બીજી વખત સારું કર્યું. ૨૦૧૬ કરતા ૨૦૨૦માં લાખો વધુ વોટ મળ્યા હતા. હવે, આપણા દેશને ફરીથી સફળ, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ બનાવવા માટે, મારે ફરીથી ચૂંટણી લડવી પડી શકે છે.
પરંતુ પહેલા આપણે આ નવેમ્બરમાં રિપબ્લિકન પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવવી પડશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું, મારા સાથી નાગરિકો, અમે જે અદ્ભુત યાત્રા પર છીએ તે હમણાં જ શરૂ થઈ છે. ૭૬ વર્ષીય ટ્રમ્પે હજુ પણ ૨૦૨૦ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં તેમના ડેમોક્રેટિક પાર્ટીના હરીફ જાે બિડેન સામે હાર માની નથી.
તેઓ આ પહેલા પણ ઘણી વખત ચૂંટણી લડવાના સંકેત આપી ચૂક્યા છે, પરંતુ ટ્રેક્સાસમાં શનિવારે તેમના નિવેદનને સૌથી મજબૂત સંકેતો પૈકી એક માનવામાં આવી રહ્યું છે કે તેઓ ૨૦૨૪ની ચૂંટણીમાં લડી શકે છે.
કેપિટોલ હિલ હિંસામાં તેમની કથિત સંડોવણી બદલ હાઉસ સિલેક્ટ કમિટીએ તેમને સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ તેમનું નિવેદન આવ્યું છે. તેમને શુક્રવારે જુબાની આપવા અને તેમના સમર્થકો દ્વારા યુએસ કેપિટોલ પર ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ થયેલા હુમલાની તપાસ કરતી પ્રતિનિધિ સભાની સમિતિને દસ્તાવેજાે પ્રદાન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર સ્વીકારી ન હતી અને તેમણે ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પના આ આરોપો વચ્ચે તેમના સમર્થકોએ ૬ જાન્યુઆરીએ સંસદ ભવન સંકુલમાં કથિત રીતે હિંસાનો આશરો લીધો હતો.
મળતી માહિતી મુજબ આ હિંસામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન લગભગ ૮૦ યુએસ કેપિટોલ પોલીસ અને ૬૦ મેટ્રોપોલિટન પોલીસ વિભાગો સહિત ૧૪૦ પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.