અજમેર-પાલનપુર રેલ સેક્શન પર 21 દિવસ સુધી 12 ટ્રેન સંપૂર્ણ રદ રહેશે
અમદાવાદ, ઉત્તર-પશ્ચિમ રેલવેના અજમેર વિભાગમાં અજમેર-પાલનપુર રેલ સેક્શન ઉપર ટ્રેક ડબલિંગનું કામ હાથ ધરાનાર હોવાથી આ રૂટ પરનો ટ્રેન વ્યવહાર તા. ૧૨ નવેમ્બરથી તા.૨ ડિસેમ્બર સુધી કુલ૨૧ દિવસ સુધી બંધ રહેશે. જેને લઇને ૧૨ ટ્રેનો સંપૂર્ણ રદ કરી દેવામાં આવી છે. ૪ ટ્રેનોને આંશિક રદ કરાઇ છે. તેમજ ૧૩ ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવાનું આયોજન કરાયું છે. કેટલીક ટ્રેનો સાડા ત્રણ કલાક સુધી મોડી દોડશે. આમ ૩૪ ટ્રેનોનું સંચાલન અસર પામતા હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.
અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી અને અજમેર-અમદાવાદ ઇન્ટરસિટીની ૧૧ ટ્રીપો આ સમયગાળા દરમિયાન રદ રહેશે. ૨૭ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી આબુરોડ-મહેસાણા ડેમુ પેસેન્જર ટ્રેનની ૬ ટ્રીપો રદ રહેશે. તા.૧૨ અને ૨૬ નવેમ્બરની અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસ, અને તા.૧૩ અને ૨૭ નવેમ્બરની સુલતાનપુર-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
તા.૨૭ નવેમ્બરની અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ, તા.૩૦ નવેમ્બરની કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ, તા.૨૮ નવેમ્બરની અમદાવાદ-આગ્રાકેન્ટ એક્સપ્રેસ, તા. ૨૭ નવેમ્બરની ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ, બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસ રદ રહેશે. તા. ૨૬ નવેમ્બરથી તા.૧ ડિસેમ્બર સુધી મહેસાણા-આબુરોડ ડેમુ અને તા. ૨૮ નવેમ્બરની ભુજ-બરેલી આલા હઝરત એક્સપ્રેસ રદ રહેશે. આ સમયગાળા દરમિયાન જોધપુર-અમદાવાદ-જોધપુર પેસેન્જર ટ્રેનને અમદાવાદ-મારવાડ જં.વચ્ચે રદ રહેશે.
અમદાવાદ-જયપુર-અમદાવાદ પેસેન્જર ટ્રેન અમદાવાદ-અજમેર વચ્ચે રદ રહેશે. આ ઉપરાંત બાન્દ્રા-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ, ભુજ-બરેલી એક્સપ્રેસ, મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ, બેંગલોગ-જોધપુર, હિસાર-સિકંદરાબાદ, અજમેર-પુરી, ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ, અજમેર-પુરી, નાંદેડ-શ્રી ગંગાનગર, બાન્દ્રા-ભગત કી કોઠી, દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ, બાન્દ્રા-જયપુર, શ્રીગંગાનગર-ત્રિચરાપલ્લી અને બાન્દ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસને ડાયવર્ટ રૂટ પરથી દોડાવાશે. જયપુર-બાન્દ્રા, બિકાનેર-બાન્દ્રા રિશિડયુલ કરાશે.
વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ વારાણસી-અમદાવાદ, કોલકાતા-અમદાવાદ ટ્રેન માર્ગમાં ૩૫ મિનિટથી લઇને દોઢ કલાક સુધી રોકી રખાશે. આમ ટ્રેક ડબલિંગના કામને લઇને ૩૪ જેટલી ટ્રેનોનો વ્યવહાર અસર પામતા હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.