21 વર્ષની ટીવી એકટ્રેસનું પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ મોત

મુંબઈ, કન્નડની 21 વર્ષીય ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગ્લુરુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ અવસાન થયું હતું.
ચેતનાને ગઇકાલે સવારે બેંગ્લુરુની રાજાજીનગર ખાતેની શેટીઝ કોસ્મેટિક સેન્ટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના પર ફેટ ફ્રી સર્જરી કરવામાં આવી હતી.
જોકે, સાંજે ચેતનાના ફેફસાંમાં પાણી ભરાવા માંડતાં તેની તબિયત અચાનક જ કથળી ગઈ હતી. એનેસ્થેટિસ્ટ મેલ્વિન ચેતનાના દેહને લઈને કાડે હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેણે ચેતનાને હૃદયરોગનો હુમલો થયો હોવાથી તેની સારવાર કરાવવાની છે એણે જણાવ્યું હતું. કાડે હોસ્પિટલના ડોક્ટરોએ ચેતનાને સીપીઆર સહિતની સારવાર આપી હતી પરંતુ કોઈ ફરક પડ્યો ન હતો. આખરે ચેતનાને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી હતી.
આ હોસ્પિટલના તબીબોના આક્ષેપ અનુસાર શેટ્ટી સેન્ટરના તબીબને વાસ્તવમાં પહેલેથી જ ખ્યાલ હતો કે ચેતના મૃત્યુ પામી ચુકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચેતનાએ પોતે આ સર્જરી કરાવી રહી હોવાનું માતા-પિતાને જણાવ્યું જ ન હતું અને કેટલાક મિત્રો સાથે જ હોસ્પિટલ ગઈ હતી.
ચેતનાના માં-બાપે ચેતનાના મોત માટે તબીબોની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. ચેતનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રમૈયા હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચેતનાના માં-બાપની ફરિયાદના આધારે પોલીસે હોસ્પિટલ સામે કેસ પણ દાખલ કર્યો છે. ગીતાને દોરેસાની જેવી સિરિયલ દ્વારા ચેતના જાણીતી બની હતી.