આર્થિક સહાય યોજના અંતર્ગત ગાંધીનગરમાં ૩૩૪ અરજીઓ મંજૂર કરીને ૨૧.૫૦ લાખ ચૂકવાયા
નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય આપી રાજ્ય સરકાર તેમનો જીવન નિર્વાહ માટેનો આધાર બની રહી છે : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
વિધાનસભા ગૃહમાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના અંતર્ગત પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓ અંતર્ગત નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય આપી રાજ્ય સરકાર તેમનો જીવન નિર્વાહ માટેનો એક આધાર બની રહી છે. રાજ્ય સરકાર આ તમામ નિરાધાર વ્યક્તિઓના પડખે ઊભી છે.
આ યોજનાના પાત્રતાના ધોરણો અંગે પુછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેને વધુમાં જણાવ્યું કે, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની પાત્રતા માટે ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોવો જરૂરી છે.
તે ઉપરાંત ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ હોય અને તેમને ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય, અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકાથી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ. પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકે છે.
તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના અરજદારની વાર્ષિક આવક રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારના અરજદારની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ. એટલું જ નહિ, ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને આ યોજનાનો લાભ મળી
શકે છે.
આ યોજના હેઠળ મળવાપાત્ર લાભની માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ યોજના અંતર્ગત ૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦ અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦ ની માસિક સહાય ચૂકવવામાં આવે છે. જે સહાય ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના અંતર્ગત તા.૧ લી જાન્યુઆરી ૨૦૨૨થી તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં એક વર્ષમાં મળેલી ૩૩૫ અરજીઓ પૈકી ૩૩૪ અરજીઓ મંજૂર કરવામાં આવી હોવાનું જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગાંધીનગર જિલ્લામાં મંજૂર કરેલી આ અરજી થકી લાભાર્થીઓના બેંક ખાતામાં કુલ રૂ.૨૧.૫૦ લાખ ચૂકવવામાં આવ્યા છે.