ગ્રીષ્મા હત્યા કેસઃ વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો
ફેનિલના ગુનાહિત માનસ માટે કોણ જવાબદાર ? આરોપી ફેનિલે આવેશમાં નહી પરંતુ ષડયંત્ર રચીને હત્યા કરીઃ સુરતના ચકચારી આ કેસના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા
શાળા-કોલેજાેની આસપાસ પાનના ગલ્લા પર પ્રતિબંધ છતાં આજે નિયમોના ધજાગરા ઉડે છે ઃ સુરત, રાજકોટ સહિતના શહેરોમાં ચાલતા કપલ બોક્સ પોલીસને કેમ ન દેખાયા
સુરત શહેરમાં ગીષ્મા નામની યુવતીની જાહેરમાં તેના ભાઈ તથા અન્ય સ્વજનોની સામે આરોપી ફેનીલ ગોલાણીએ નિર્મમ રીતે હત્યા કરી નાંખતા તેના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પોલીસ પણ આ ઘટનાથી સફાળી જાગી છે. આ ઘટનાથી અનેક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા છે. 21 yrs old Grishma Vekaria was brutally murdered by Fenil in front of her family in Surat Gujarat
સુરત, રાજકોટ સહિતના શહેરોમાં ચાલતા કપલ બોક્સો પોલીસને કેમ દેખાતા ન હતાં તેવો પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાઈ રહયો છે. આ ઉપરાંત આરોપી ફેનીલની હરકતોથી તેના માતા-પિતા પણ તંગ આવી ગયા હતા. આના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન પણ ચર્ચાઈ રહયો છે.
રાજયમાં હંમેશા આવી કોઈ મોટી ઘટના બને ત્યારે જ અચાનક પોલીસતંત્ર સફાળુ જાગે છે અને નિર્ણયો લેવા લાગે છે પરંતુ ઘટનાઓ અટકાવવા માટે કોઈ જ કાર્યવાહી થતી નથી. સુરત સહિતના શહેરોમાં પોસ્ટીગ માટે પોલીસ અધિકારીઓ હંમેશા તલપાપડ હોય છે પરંતુ રાજય સરકારે મોટા શહેરોમાં બાહોશ અધિકારીઓને નિમવા જાેઈએ તેવી લાગણી પણ હવે શહેરીજનોમાં પ્રસરવા લાગી છે.
સુરત શહેર ઉપરાંત રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરોમાં ક્રાઈમરેટ ખૂબ જ વધી રહયો છે જે ચિંતાનો વિષય છે. રાજકોટમાં પણ અગાઉ આવી જ રીતે એક તરફી પ્રેમમાં યુવકે યુવતિની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ સુરતની આ ઘટનાએ તો રાજયભરમાં નાગરિકોને વિચારતા કરી દીધા છે.
પરિવારમાં લાડકી ગીષ્મા વેકરિયા નામની યુવતીનું આરોપી ફેનીલ ગોલાણી ઘણા સમયથી પરેશાન કરતો હતો આ બાબતની જાણ ગીષ્માએ તેના પરિવારજનોને પણ કહી હતી આ મુદ્દે ફેનીલને ઠપકો પણ આપવામાં આવ્યો હતો પરંતુ એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ગ્રીષ્માનો પીછો છોડતો ન હતો બીજીબાજુ પોતાની કેરિયર બનાવવામાં વ્યસ્ત ગ્રીષ્મા આગળ વધી રહી હતી.
ઉશ્કેરાયેલા ફેનીલે જાહેરમાર્ગ ઉપર જ તેના ભાઈ તથા પરિવારજનોની ઉપસ્થિતિમાં ગ્રીષ્માની ગળુ કાપીને નિર્મમ રીતે હત્યા કરી નાંખતા તેનો વીડીયો ખૂબ જ વાયરલ થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે એક દિકરીની હત્યા થઈ રહી હતી ત્યારે કોઈ તેને બચાવવા આગળ આવ્યું નહી કેટલાક લોકો આ ઘટનાનો વિડીયો ઉતારતા રહયા જે ખૂબ જ નીદનીય છે.
આ સમગ્ર ઘટનામાં આરોપી ફેનીલના પરિવારજનો પણ સ્પષ્ટપણે કહી રહયા છે કે તેમનો પુત્ર તેમના કહ્યામાં ન હતો તેના કરતુતોથી તેઓ ખૂબ જ શરમીંદગી અનુભવતા હતા. માતા-પિતાની આ વ્યથા માટે તેઓ પોતે જ જવાબદાર છે. કિશોરવયથી પુત્ર ઉપર તેમણે ધ્યાન રાખવાની જરૂર હતી
પોતાનું સંતાન કયા વાતાવરણમાં ઉછરી રહયું છે અને બહાર પણ તે કેવા મિત્રો સાથે ફરે છે તેનું ધ્યાન રાખ્યુ હોત તો આજે આ ઘટના ન ઘટી હોત. ફેનીલ ગુનાહિત માનસ ધરાવતો હતો તે બાબત હવે સ્પષ્ટ બની ગઈ છે અને તે પોતે પણ ગેરકાયદેસર રીતે કપલ બોકસ ચલાવતો હતો.
સુરત, રાજકોટ સહિતના શહેરોમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે આવા કપલ બોકસ ધમધમી રહયા છે પરંતુ આ ઘટના પહેલા પોલીસને આ કપલ બોકસ દેખાતા ન હતાં. ચોંકાવનારી બાબત એ છે કે કપલ બોકસમાં બેઠેલા યુવક-યુવતીના એકાંતના વીડીયો પણ સ્પાઈ કેમેરાથી બનાવવામાં આવતા હોવાની ચર્ચા ચાલી રહી છે તેથી પોલીસની નિષ્ક્રિયતા બહાર આવી છે.
બીજીબાજુ ગ્રીષ્માના પરિવારજનોએ ફેનીલની આવી હરકતો કેમ સહન કરી તે પ્રશ્ન પણ ચર્ચાઈ રહયો છે. જાે આ અંગે સમાજના આગેવાન અથવા તો પોલીસને જાણ કરી હોત તો પરિણામ કંઈક જુદુ જ આવ્યુ હોત પરંતુ આજે ગ્રીષ્મા આપણી વચ્ચે નથી ત્યારે શહેરમાં વ્યાપેલી બંદીઓને ડામવાની તાત્કાલીક જરૂરિયાત છે તેવુ સ્પષ્ટપણે નાગરિકો માની રહયા છે.
મોટા શહેરોમાં વધતી જતી ગુનાખોરીના કારણે યુવાધન આજે નશાખોરીના રવાડે ચડી રહયું છે. સુરતમાં આ ઘટનાના પાંચ દિવસ બાદ બુધવારે કપલ બોકસ પર પ્રતિબંધ ફરમાવતો આદેશ સુરત શહેર પોલીસ કમિશનરે જાહેર કર્યો છે તો શંુ તે કપલ બોકસ કાયદેસરના હતા તેવો પ્રશ્ન ચર્ચાઈ રહયો છે.
આવા કપલ બોકસમાં ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ જ જતા હોય છે અને તેમના વાંધાજનક વિડીયો ઉતારી લેવામાં આવતા હોય છે આ એક વ્યવસ્થિત ષડયંત્ર હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
રાજયના મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પોસ્ટીગ મેળવવા માટે પોલીસ અધિકારીઓની લાંબી લાઈન લાગતી હોય છે આ વાત ખાનગીમાં જાહેર જેવી છેે. પરંતુ હજુ સુધીની એક પણ સરકારે આ વાતને ખોટી નથી ઠરાવી તેથી તાત્કાલિક મોટા શહેરોમાં જાંબાઝ પોલીસ અધિકારીઓની નિમણુંક કરવી આવશ્યક છે.
આટલી મોટી ઘટના છતાં સુરતમાંથી પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી નથી. ઠેરઠેર કપલ બોકસો ધમધમતા હોવા છતાં રાજયનું ગૃહવિભાગ મૌન બની ગયું છે આ માટે જવાબદાર કોણ ? શાળા-કોલેજાેની બહાર ઠેરઠેર ગલ્લાઓ ચાલી રહયા છે જે હજી સુધી બંધ કરાવવામાં આવતા નથી.
સુરતની ઘટનાની વાત કરીએ તો મનોચિકિત્સકો ફેનીલને એક તરફી પ્રેમમાં હોવાથી તેની માનસિક સ્થિતિ સ્થિર નહી હોવાનું જણાવી રહયા છે તો પછી તેણે આયોજનબદ્ધ રીતે હત્યા કેમ કરી. થોડો સમય પસાર થશે એટલે આ ઘટના પણ જનમાનસના મગજમાંથી ભુંસાઈ જશે અને વધુ એક ઘટના બનશે ત્યારે આ પણ તાજી થશે
પરંતુ જાે નાગરિકો સ્વયંમભૂ રીતે નહી જાગે તો આવી ઘટનાઓ ઘટતી જ રહેશે. સુરતની ઘટનાથી રાજયભરની પોલીસે પણ શીખ લેવાની જરૂર છે. અમદાવાદ શહેરમાં સાંજ પડતા જ ઠેરઠેર લારીઓ શરૂ થઈ જાય છે ખાસ કરીને અમદાવાદ શહેરના છેવાડાના સીંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃતિઓ થતી હોવાની ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે.
તાજેતરમાં જ કેફી દ્રવ્યોના વેચાણનું એક વ્યવસ્થિત ષડયંત્ર પકડાયું હતું તેમ છતાં અમદાવાદ પોલીસ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે. સુરતની ઘટનાથી વાલીઓએ સતર્ક બનવાની જરૂર છે પરંતુ તેની સાથે સાથે રાજય સરકારે પણ આવી પરિસ્થિતિ કેમ પેદા થાય છે તેના કારણો પણ જાણવા જરૂરી છે.
સરકારે આ ઘટનામાં સીટની રચના કરી છે અને તાત્કાલિક આ કેસમાં ચાર્જશીટ રજુ કરી કેસ ચલાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટેની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.