ગુજરાતમાં વર્ષમાં સ્વાઈન ફ્લૂના ૨૧૩૯ કેસ, ૬૭નાં મોત થયા
અમદાવાદ, કોરોના ફરી માથું ઉંચકે તેવી દહેશત વ્યાપી છે ત્યારે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના કેસ ૨૧૩૯ કેસ નોંધાયા છે જ્યારે ૬૭ વ્યક્તિના મૃત્યુ થયા છે. આ વર્ષે સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર ૨૧૫ સાથે મોખરે અને ગુજરાત બીજા સ્થાને છે.
સમગ્ર દેશમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ ૧૨૮૮૧ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૯૯ વ્યક્તિના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી ૬૭ વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે અને તે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ ૨૦૧૮માં ૯૭, ૨૦૧૯માં ૧૫૧, ૨૦૨૦માં બે, ૨૦૨૧માં બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં ૨૦૧૭થી નવેમ્બર ૨૦૨૨ સુધી સ્વાઇન ફ્લૂના કુલ ૧૬૯૪૪ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૬૫૪ વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે.
આ વર્ષે સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેમાં પંજાબ ૪૧ સાથે ત્રીજા, તામિલનાડુ ૨૫ સાથે ચોથા અને હરિયાણા ૧૨ સાથે પાંચમાં સ્થાને છે. આમ, દેશમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂથી જે કુલ મૃત્યુ થયા છે તેમાંના ૧૭ ટકા માત્ર ગુજરાતમાંથી છે. સમગ્ર દેશમાં ૨૦૧૯માં સ્વાઇન ફ્લૂથી ૨૭૫૨, ૨૦૨૦માં ૪૪ અને ૨૦૨૧માં ૧૨ વ્યક્તિના મૃત્યુ થયા હતા.