નિર્ભયા ગેંગરેપ આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7.00 વાગે ફાંસી અપાશે
નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિતોનાં ડેથ વોરંટ પર દિલ્હીની પટિયાલા કૉર્ટે મંગળવારનાં ચારેય દોષિતોનું ડેથ વૉરંટ જાહેર કર્યું છે. 22 જાન્યુઆરીનાં રોજ સવારે 7 વાગ્યે આરોપીઓને ફાંસી આપવામાં આવશે. આ પહેલા પટિયાલા હાઉસ કૉર્ટનાં જજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ચારેય દોષિતો સાથે વાત કરી. આ દરમિયાન મીડિયાને પણ અંદર જવા દેવામાં આવ્યું નહીં. સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને દોષી મુકેશની માતા કોર્ટમાં રડી પડી. ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલે ચારેય દોષિયો અક્ષય, મુકેશ, વિનય અને પવનને પહેલા જ ફાંસીની સજા સંભળાવવામાં આવી ચુકી છે.
તિહાર પ્રશાસનમાં ફાંસીની દરેક તૈયારી પૂરી તિહાર-પ્રશાસને ફાંસીની દરેક તૈયારી પૂરી કરી લીધી છે. ચારેય દોષિતોને એક સાથે ફાંસી પર લટકાવવા માટે તિહાર જેલમાં રૂ. 25 લાખના ખર્ચે એક નવું ફાંસી ઘર બનાવવામાં આવ્યું છે. તિહાર-પ્રશાસને પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે, ચારેય દોષિતોને એક સાથે જ ફાંસી પર લટકાવવામાં આવશે.
તિહાર જેલના મહાનિર્દેશક સંદીપ ગોયલે કહ્યું કે, એક સાથે હવે ચારેય આરોપી મુકેશ, પવન, વિનય અને અક્ષયને ફાંસી આપવાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. કોર્ટના આદેશ પછી જેલ સ્તરે દોષિતોને ફાંસી આપવામાં સહેજ પણ વાર નહીં લાગે.
નોંધનીય છે કે નિર્ભયાની માતાએ દોષિતોને શક્ય હોય એટલી વહેલી ફાંસી આપવાની માંગણી કરી હતી. આ પહેલાં પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની દરેક કાયદાકીય કાર્યવાહી પૂરી કરવા માટે 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. તે સાથે જ તિહાર જેલમાં ચારેય દોષિતોને નોટિસ આપીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ દયાની અરજી દાખલ કરશે કે નહીં.
ગયા મહિને વધારાના સત્રમાં જજ સતીશ કુમાર અરોરાએ સાત જાન્યુઆરી સુધી કેસ સ્થગિત કરી દીધો હતો. તેમણે તિહાર જેલના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, તેઓ દોષિતોને ફરી નોટિસ આપીને તેમને કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવા માટેનો સમય આપે.
સુનાવણી સતત લંબાતી હોવાથી પીડિતાની માતા આશા દેવી નિરાશ થઈ ગયા હતા. જજે આશા દેવીને કહ્યું હતું કે, ‘મારી સહાનુભૂતિ તમારી સાથે છે, હું જાણું છું કે, કોઈનું મૃત્યુ થયું છે પરંતુ આરોપીઓના પણ તેમના અધિકાર છે. અમે અહીં તમારી વાત સાંભળવા માટે જ છીએ પરંતુ અમે કાયદાથી પણ બંધાયેલા છીએ.’ સુનાવણી દરમિયાન પીડિતાના પક્ષ તરફથી દોષિતો વિરુદ્ધ મોતનું વોરંટ જાહેર કરવાની પણ અરજી કરી હતી.