Western Times News

Gujarati News

3 વર્ષમાં 22 લાખ ફરિયાદો કરી અમદાવાદીઓએ પ્રાથમિક સુવિધા માટે

એન્જીનીયરીંગ વિભાગ સામે ૧૩ લાખ ફરિયાદો થઈ ઃ શહેજાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકો છેલ્લા બે દાયકાથી વિકાસના ગાણા ગાઈ રહયા છે તથા અમદાવાદને સ્માર્ટ સીટી, લીવેબલ સીટી, નવેબલ સીટી, સિંગાપુર, સાંઘાઈ વગેરે ઉપનામ આપી ગર્વ અનુભવી રહયા છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કાંઈક અલગ જ છે. શહેરના ૭૦ લાખ નાગરિકોએ માત્ર પ્રાથમિક સુવિધા માટે જ છેલ્લા ત્રણ વર્ષમાં રર લાખ કરતા પણ વધુ ફરિયાદો કરી હોવાની રજુઆત વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગી નેતા શહેજાદખાન પઠાણે રજુઆત કરતા જણાવ્યું હતું કે કોર્પોરેશનના ૧ર હજાર કરોડના બજેટમાં સામાન્ય નાગરિકોને સ્થાન નથી. સામાન્ય નાગરિકો હજી પણ લાઈટ, ગટર, રોડ અને પાણી જેવી પ્રાથમિક સુવિધામાં અટવાઈ રહયા છે જે ઉપલબ્ધ ન થતાં નાગરિકો મસ્ટર સ્ટેશન પર અથવા તો સીસીઆરએસના માધ્યમથી ફરિયાદ કરે છે.

શહેરીજનોએ એપ્રિલ- ર૦ર૧થી સપ્ટેમ્બર- ર૦ર૪ના સમયગાળા દરમિયાન કુલ રર,૩૪,૦૭ર ફરિયાદો કરી છે જેમાં એન્જીનીયરીંગ વિભાગ માટે ૧૩ લાખ અને લાઈટ માટે ર લાખ ૭૪ હજાર ફરિયાદો કરવામાં આવી છે. શહેરના મધ્યઝોનમાં ૪૧૦૯૬૩, પૂર્વમાં ર૪૧૭૬૪, ઉત્તર- ૪૧ર૬૬૬, ઉ.પ.-૧૮૮૪૦૭, દક્ષિણ- ૩૬૦૭૮૯, દ.પ.-૧ર૯૭૦૦ અને પશ્ચિમ ઝોનમાં ૪૮૯૭૯૩ ફરિયાદો કરવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝન અગાઉ પ્રિમોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો તેમજ તેવા દાવા પણ કરવામાં આવ્યા હતા કે ૧૦૦ જેટલા રોડ પર વરસાદી પાણીનો ભરાવો થશે નહી તેમજ ક્યાંય ખાડા પડશે નહીં તેનાથી વિપરીત માત્ર ચોમાસાની સીઝનમાં જ વરસાદી પાણી ભરાવવાની ૧૩ર૪૦ ફરિયાદો, રોડ મેઈન્ટેન્સની ૧પ૬૧પ ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી છે. આ દર્શાવે છે કે મ્યુનિ. શાસકો અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.