સિનિયર સિટીઝનને ગ્રૂપમાં એડ કરી સાયબર ગઠિયા ૨૨ લાખ પડાવી ગયા
અમદાવાદ, જો તમારા મોબાઇલ ફોનમાં વોટસએપ પર કોઈ અજાણ્યા નંબર પરથી બેંકના નામે ગ્રૂપમાં એડ કરીને અજાણી લિન્ક મોકલવામાં આવે તો તેના પર ક્લિક કરતા પહેલા વિચારજો. કારણ કે, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધને વોટસએપ પર અજાણ્યા વ્યક્તિએ બેંકના નામે ગ્રૂપમાં એડ કરી આધારકાર્ડ અપડેટ કરવા એપીકે ફાઈલ મોકલી હતી જેના પર ક્લિક કરતાની સાથે તેઓ બીજા ગ્રૂપમાં એડ થઈ ગયા હતા.
જેમાં બેંકની વિગત માગતા વૃદ્ધે ભરી હતી અને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૨૨.૨૦ લાખ પાંચ ઓવરડ્રાફ્ટ ખાતામાં જમા લઈ લીધા હતા. છેતરપિંડીની જાણ થતા વૃદ્ધે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.વેજલપુરની હેમાંગ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ પટેલ નિવૃત્ત જીવ ગુજારે છે. તેમનું આનંદનગર રોડ પર આવેલી બેંકમાં ખાતું છે.
નવેમ્બર મહિનામાં તેમને બેન્ક ઓફ ઇન્ડિયાના નામે બનેલા એક ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓએ મેસેજ જોતા બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટ નંબરને આધારકાર્ડ અપડેટ કરવા માટે કહ્યું હતું. જો આધારકાર્ડ અપડેટ નહીં કરે તો તેમનું બેન્ક એકાઉન્ટ બ્લોક થઈ જશે.
જો આધારકાર્ડ અપડેટ કરવું હોય તો એક એપીકે ફાઇલ આપી હતી, જેને ઇન્સ્ટોલ કરવા કહ્યું હતું. પ્રવિણભાઈએ આ ગ્રૂપને બેંકનું વોટસએપ ગ્રૂપ માની લીધું હતું અને બેંકમાંથી મેસેજ આવ્યો હોવાનું માનીને તેમણે તે ફાઈલ ડાઉનલોડ કરી લીધી હતી.
જેમાં તેમને મોબાઈલ નંબર અને તેમના બેન્ક એકાઉન્ટની વિગતો લખી હતી.દરમિયાન રાત્રે તેમના બેન્ક એકાઉન્ટમાંથી કેટલાક પૈસા ડેબિટ થયા હતા. બેથી ત્રણ વખત પૈસા ડેબિટ થયા હોવાથી તેમણે બેંકમાં તપાસ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે, તેમના ફિક્સ ડિપોઝિટના આધારે પાંચ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ ખૂલ્યા છે અને તેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
અલગ અલગ ૮૯ જેટલા ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ. ૨૨.૨૦ લાખ ટ્રાન્સફર કરી દેવાયા હતા. અજાણી વ્યક્તિએ તેમને વોટસએપ ગ્રૂપમાં એડ કરીને લિન્ક મોકલી બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી લીધી હતી અને ત્યારબાદ તેમના બેંકની વિગતના આધારે એકાઉન્ટ ખોલાવી પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે તેમણે ફરિયાદ નોંધાવી હતી.SS1MS