જન્માષ્ટમીથી રાજકોટમાં ૨૩ ઇલેક્ટ્રિક બસો દોડતી થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/Ramvan3-e1660803371485-1024x446.jpeg)
જન્માષ્ટમી પર્વ ઉપર રાજકોટ અર્બન ફોરેસ્ટ અને ૨૩ ઇલેક્ટ્રિક બસોના લોકાર્પણથી રાજકોટવાસીઓનો આનંદ બમણો
છોડમાં રણછોડ અને પુષ્પમાં પરમેશ્વર જોવાની આપણી સંસ્કૃતિ છે ત્યારે પર્યાવરણનું જતન કરવાની આપણા સૌની નૈતિક જવાબદારી બને છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭ એકર જમીનમાં અંદાજિત રૂ. ૧૩.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત “રામ વન” – ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ભગવાનશ્રી રામની પ્રતિમાને વંદન કરીને રામવનનું વિહંગાવલોકન કર્યું હતું. તેમજ ૨૩ ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરીને બસોને લીલી ઝંડી આપી હતી.
ઈલેક્ટ્રિક વેહિકલ પોલીસી હેઠળ રાજ્યમાં ઇલેક્ટ્રોનિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. જાહેર પરિહનમાં વધુને વધુ ઇલેક્ટ્રિક બસો દાખલ કરવાનો અભિગમ સરકારે અપનાવ્યો છે. રાજકોટમાં આજે ૨૩ ઇલેક્ટ્રિક બસો અને તેના ચાર્જિંગ સેન્ટરની ભેટ મળી છે. ત્યારે આ વ્યવસ્થા રાજકોટને પ્રદુષણ મુક્ત અને સ્વચ્છ વાતાવરણ વાળું શહેર બનાવવામાં મદદ કરશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મુખ્યમંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા લાલ કિલ્લા પરથી દેશને અમૃતકાળમાં પાંચ સંકલ્પ લેવાનો કોલ આપ્યો છે. જેમાં પ્રથમ સંકલ્પ એટલે કે વિકસિત ભારત. ત્યારે વિકસિત ભારત માટે વિકસીત ગુજરાત અનિવાર્ય છે. વડાપ્રધાનશ્રીના બે દાયકાના નેતૃત્વમાં ગુજરાત દેશનું મોડલ સ્ટેટ અને ગ્રોથ એન્જીન બન્યું છે. પર્યાવરણ પ્રિય વિકાસ દ્વારા પ્રદુષણ મુક્ત અને આત્મનિર્ભર ગુજરાત બનાવીએ.
વધુમાં ૮૦’ ફુટ રોડ ખાતે રૂ. ૧૧.૬૩ કરોડના ખર્ચે ૧૫,૨૦૦ ચો. મી.માં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ચાર્જીંગ સ્ટેશનમાં ૩૧૦૦ વોટનું HT વીજ કનેક્શન, ૨૫૦૦ વોટના ૨ ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, ૨૪૦ કિલો વોટના ૧૪ ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કાએ ૫૦ ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવી હતી, જે પૈકી અગાઉ ૨૩ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇલેક્ટ્રિક બસો BRTS રોડ પર તથા ૧ ઇલેક્ટ્રિક બસ AIIMS ના રૂટ પર ચલાવવામાં આવે છે. આજરોજ ૨૩ મીડી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જેમાં કુલ ૨૭ મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા રહેશે. ઇ-બસમાં ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વારા તથા ઇમરજન્સી દ્વારા, મુસાફરોની સલામતી માટે SOS – Emergency Alarmની સુવિધા, કેમેરા, GPS ટ્રેકિંગ સિસ્ટમ, મનોરંજન માટે રેડીઓ સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓ છે.