કોઈપણ કામ વગર પગાર ચુકવાય છે કેવડીયા સફારી પાર્કના 23 વન અધિકારીને
કેવડીયા સફારીપાર્કના ર૩ વન અધિકારી, કર્મચારીઓ ચાર મહીનાથી સાવ નવરાધૂપ-પ્રાઈવેટ કંપનીને પાર્ક સોંપ્યા બાદ વન વિભાગ નિર્ણય કરવાનું ભુલી ગયું
(એજન્સી)ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનીટી-એસઓયુ, કેવડીયા કોલોની સ્થિત સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક જંગલ સફારીને પ્રાઈવેટ કંપનીને આપી દેવાયા પછી કલાસ વન ટુ સહીત ર૩ અધિકારી-કર્મચારીઓ છેલ્લા ચાર મહીનાથી કોઈપણ પ્રકારના કામ વગર સાવ નવરાધુપ થઈ ગયા છે. પાંચ-છ વર્ષ અગાઉજંગલ સફારીના નિર્માણ અને સંચાલન માટે વન વિભાગે રાજયભરમાંથી શોધી શોધીને વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને નિયુકત કરાયા હતા.
સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કની સંચાલન સહીત તમામ કામગીરી ખાનગી કંપનીને સોપવામાં આવતા એક આઈએફએસવર્ગ-ર ના પાંચ અધિકારી અને ૧૭ જેટલા વર્ગ-૩ કર્મચારીઓ કોઈ પણ કામ કે જવાબદારી વગર પગાર મેળવી રહયા છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળે ૧લી ઓકટોબર ર૦ર૩ના રોશજ ઝુલોજીકલ પાર્ક જંગલ સફારીને પ્રાઈવેટલ કંપનીને સોપ્યા બાદ વન અને પર્યાવરણ વિભાગે મુકેલા ર૩ અધિકારી કર્મચારીઓને બીજો હુકમ ન થાય ત્યાં સુધી પોતાને આધીન રહેવા આદેશ કર્યો હતો.
અલબત્ત આ આદેશમાં સત્તામંડળે પશુપાલન વિભાગના વેટરનરી ઓફીસરોને તેમના મુળ વિભાગમાં પરત મોકલ્યા હતા. જોકે વન અને પર્યાવરણ વિભાગ પોતાના અધિકારી-કર્મચારીઓને પાછા મેળવવા આદેશ ન કરતા હાલમાં આ તમામ સાવ નવરાધુપ થઈ ગયા છે. બીજી તરફ લોકસભા ચુંટણી નજીકમાં છે. ત્યારે પહેલાથી જ અનેક જિલ્લાઓમાં ચાર્જમાં અને માનવબળથી ખેચ ધરાવતા વન વિભાગે કોઈ નિર્ણય લીધો નથી.