Western Times News

Gujarati News

સુરતમાં ૨૩ વર્ષીય શિક્ષિકા તેના ૧૧ વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ

સુરત, સુરતના પુણા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પુણા વિસ્તારમાં ૨૩ વર્ષીય શિક્ષિકા તેના ૧૧ વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે.

આ સગીરને ભગાવીને લઈ જતી સીસીટીવીમાં પણ દેખાઈ આવતાં મામલો ગંભીર બન્યો છે.મળતી માહિતી પ્રમાણે, પુણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી એ સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈનું મગજ ચકરાવે ચઢી ગયું હતું. ૧૧ વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રનું અપહરણ થયું છે.

વાત એમ હતી કે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો ૧૧ વર્ષીય પુત્ર ૨૫મીએ બપોરે ઘર બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઈ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષથી ટ્યૂશન કરાવતી તથા શાળામાં પણ વર્ગશિક્ષિકા રહી ચૂકેલી ૨૩ વર્ષીય યુવતી તેને ભગાડી લઈને જતી દેખાઈ હતી.

જે શિક્ષિકા આ બાળકને ભગાડી ગઇ હતી તેનાં માતા-પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યાં હતાં અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું.૨૩ વર્ષીય શિક્ષિકા તેના ૧૧ વર્ષીય વિદ્યાર્થીને જ ભગાડી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે.

શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી.

પિતાએ જણાવ્યું હતું કે ટીચરનાં માતા-પિતાને પૂછ્યું તો બપોરે બે વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે એવું જણાવ્યું હતું, જેથી પુણા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી છે.

એ અંતર્ગત સ્ટુડન્ટ અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર નજરે પડ્યાં હતાં. જ્યારે પર્વત પાટિયા વિસ્તારમાં પણ દુકાનમાં દેખાય છે જ્યાં સ્ટુડન્ટને શૂઝ, કપડાં સહિતની ખરીદી પણ કરાવી આપી હતી. હાલ તો તે તેની સેફટી માટે આ બાળકને લઈ ગઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યાં છે. શિક્ષિકાએ ભાગતાં પહેલાં બુક માય ટ્રિપ એપથી ટૂર પેકેજ બુક કરાવ્યુંનું પણ સામે આવ્યું છે.

શિક્ષિકા ફરવા જવા માગતી હોઇ અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઇ હોય એવું બની શકે. જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.