શીકા ગામે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું વિરાટ આયોજન થયું
યુગતીર્થ, શાન્તિકુંજ, હરિદ્વારથી શીકા પધાર્યા સંતો : ગામેગામથી શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞમાં સહભાગી બન્યા
પ્રતિનિધિ.મોડાસા. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગ જેવું દિવ્ય વાતાવરણ બનાવવા બત્રીસો પુસ્તકો લખ્યાં અને ગાયત્રી પરિવારની સ્થાપના કરી. આજે ૧૬ કરોડ જેટલાં ગાયત્રી પરિવારના પીતવસ્ત્રધારી ભાઈઓ બહેનો તેમના કહ્યાં મુજબ માનવતા ઉત્થાનનું કાર્ય કરી રહેલ છે. જન સમાજને સાચા અર્થમાં માનવ બનાવવા અનેક રચનાત્મક ગતિવિધિઓ ચાલી રહેલ છે. જીવમાત્રને માટે વાયુ પ્રદૂષણને શુદ્ધિકરણ માટે યજ્ઞ એ સેનેટાઈઝનું કામ કરે છે. સાથે સાથે યજ્ઞના દિવ્ય ઉર્જાવાન માહોલમાં કર્મકાંડની સાથે સાથે જીવનને સાચી દિશાધારા માટે જરુરી માર્ગદર્શન અપાય છે. સહભાગી થનાર પોતાની કંઈક કુટેવો- વ્યસનો છોડી જીવનને સાચાં માર્ગ પર ચલાવવા સંકલ્પિત થાય છે. જેની અસર સમાજ અને રાષ્ટ્ર ઉત્થાન પર થાય છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વાર દ્વારા કોરોનાકાળની પરિસ્થિતિ પછી નવ ચેતના જાગરણ હેતું ઠેર ઠેર ૧૦૮, ૫૧, ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન થઈ રહેલ છે. જેના ભાગ રુપે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે ૧૮ થી ૨૦ માર્ચ શનિ, રવિ, સોમવાર દરમિયાન ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું. જેમાં શનિવારે ભવ્ય કલશયાત્રામાં માથા પર લીલાજવારા , કળશ તેમજ પવિત્ર પુસ્તકોની પોથી લઈ સમગ્ર ગામના રસ્તાઓ પર શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રમાં સાચી માનવતા સ્થાપવા આપેલ જયઘોષના નારાઓથી આ શીકા ગામ ગુંજી ઉઠ્યું હતું. સાંજે વંટોળ તેમજ વરસાદ પડવા છતાંય આયોજકો હિંમત હાર્યા વિના રાત્રે સંકલ્પ દિપયજ્ઞ આયોજન સંપન્ન થયું.
જેમાં સૌ ઘરેથી આરતીની થાળી સજાવી લાવી આ વિરાટ આયોજનમાં સૌએ જગમગતા દિવાઓથી આરતી ઉતારી હતી. રવિવાર સવારે ૭ વાગ્યાથી ૨૪ કુંડ પર દંપતિઓ ગોઠવાઈ ગયા હતાં. શાન્તિકુંજ હરિદ્વારથી પધારેલ સર્જન સેનાની પાંચ સંતો આ નવ ચેતના જાગરણ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં દિવ્ય મંત્રોચ્ચાર-સંગીતમય કર્મકાંડ સાથે સાથે માનવીએ સાચા અર્થમાં જીવન જીવવા માર્ગદર્શન આપતા રહ્યાં. મોડાસા સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આ શીકા ગામે ઉમટ્યા સૌએ આ મહાયજ્ઞમાં હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી . શીકા ગ્રામજનોએ સૌને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી.
આ યજ્ઞ ઉપરાંત રવિવાર રાત્રે નારી જાગરણ, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, યુવા જાગૃતિ, કુરિવાજ નિવારણ વિષયો પર ઉદ્બોધન થયાં તેમજ ગાયત્રી ચેતના કેન્દ્રની બહેનોએ પ્રેરણાત્મક નાટિકા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સોમવાર સવારથી દિવસ દરમિયાન આ હરિદ્વારથી પધારનાર સંતોએ ગામમાં જન જનમાં નવ સંકલ્પ માટે સંપર્ક અભિયાનથી સમગ્ર આયોજનનું સમાપન થયું. વિશેષ ખુશીની વાત એ હતી કે આ શીકા ગામના આજીવિકા નોકરી ધંધા અર્થે ગુજરાત કે ભારતભરમાં સ્થળાંતર થયેલ તમામ ગ્રામજનો આ સમગ્ર આયોજન દરમિયાન પોતાના માદરે વતન શીકામાં આવી આ દિવ્ય પવિત્ર આયોજનમાં સહભાગી બની લાભાન્વિત થઈ ગામની આધ્યાત્મિક ભાવના એકતા સમતાથી ગૌરવાન્વિત અનુભવી રહ્યાં હતાં.
આ સમગ્ર આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર- મોડાસાના ગાયત્રી ઉપાસકોના માર્ગદર્શનમાં શીકા ગાયત્રી પરિવારના પરિજનો તથા સમગ્ર શીકા ગામના વડીલો ભાઈઓ બહેનો યુવાનોએ સક્રિય ભૂમિકા ભજવી આ ઉત્સવને સફળ બનાવ્યો.