25 લાખની લોટરીની લાલચે અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ૯૨ હજાર રૂપિયા
અમદાવાદ: હું બેંક ઑફ બરોડામાંથી આકાશ વર્મા બોલું છું. તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. તમને રૂપિયા ૨૫ લાખની લોટરી લાગી છે, તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના છે.”
જાે કોઈ આવું કહીને તેમને કોઈ લિંક ક્લિક કરવાનું કે કોઈ અન્ય વસ્તુ કરવાનું કહે તો ચેતજાે. આવું કરવાથી તમે તમારી પરેસેવાની કમાણી ગુમાવી શકો છો. અમદાવાદના એક કેસમાં આવું કહીને ગઠિયાએ રૂપિયા ૯૨ હજાર પડાવી લીધા છે.
જજીસ બંગલો રોડ પર રહેતા ભાવિકાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે ૨૧મી એપ્રિલના દિવસે તેમના મોબાઇલ પર વોટ્સએપ કૉલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે હું બેંક ઑફ બરોડામાંથી આકાશ વર્મા બોલું છું. તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. તમને રૂપિયા ૨૫ લાખની લોટરી લાગી છે, તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના છે.”
જાેકે, ફરિયાદીએ કેબીસીમાં ભાગ લીધો ન હોવાનું કહેતા ગઠિયાએ તેમને વિશ્વાસમાં લેવા માટે ચાલુ ફોન દરમિયાન તેમનો ફોટો, તેમના નામનો રૂપિયા ૨૫ લાખના ચેકનો ફોટો, જેના પર કેબીસી લખ્યું હતું અને અમિતાભ બચ્ચન તથા અલગ અલગ ફોટો બતાવ્યા હતા. એટલું જ નહીં, ગઠિયાએ ફરિયાદીને કોઈ ઓટીપી પણ આપવાનો ન હોવાનું કહ્યું હતં. મહિલાએ ફક્ત તે જે લિંક મોકલે તે અલાઉ કરવા માટે કહ્યું હતું.
ફરિયાદી વિશ્વાસમાં આવી જતા તેઓએ લિંક અલાઉ કરતા જ તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૯૦ હજાર ડેબિટ થઈ ગયા હતા. જાેકે, ફરિયાદીએ ગઠિયાને રૂપિયા પરત લેવા કૉલ કરતા તેમણે પોતે જે બેંક એકાઉન્ટ આપે તેમાં રૂપિયા ૭૦ હજાર જમા કરાવવા માટે કહી અલગ અલગ બેંક એકાઉન્ટ આપી
બીજા રૂપિયા બે હજાર ફરિયાદી પાસેથી જમા કરાવ્યા હતા. આમ કુલ ૯૨ હજાર રૂપિયાની છેતરપિંડી થતાં ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.