બંગાળમાં સરકારી કર્મચારીઓને ૨૫% ડીએ આપવા સુપ્રીમનો આદેશ

પ્રતિકાત્મક
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપી રાજ્યના સરકારી કર્મચારીઓને ૨૫ ટકા મોંઘવારી ભથ્થુ આપવા આદેશ કર્યો છે. ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મેહતાની બેંચે વચગાળાનો હુકમ જારી કર્યો છે અને બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર ૨૫ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે આ મામલે આગામી સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના કેટલાક સરકારી કર્મચારીઓએ આ મામલે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી બાકી રકમ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલું ડીએ આપવાની માંગ કરી છે. હાઈકોર્ટે મે-૨૦૨૨માં સુનાવણી હાથ ધરી બંગાળ સરકારને કેન્દ્રીય દર જેટલો ડીએ આપવાનો આદેશ કર્યો હતો.
પશ્ચિમ બંગાળ સરકારે નવેમ્બર-૨૦૨૨માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે કેટલીક વખત ડીએ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ જે સમયે ડીએ વધારવાની જાહેરાત કરાઈ, તે વખતે ડીએનો દર કેન્દ્રીય દરો સાથે મેળ ખાતો ન હતો. એટલું જ નહીં કેન્દ્રીય ડીએ અને રાજ્યના ડીએ વચ્ચે ૩૭ ટકાનું અંતર પણ છે.
કેન્દ્ર સરકાર કર્મચારીઓને ૫૫ ટકા ડીએની ચૂકવણી કરે છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૨૪માં ૧૪ ટકા ડીએ હતું. ત્યારબાદ પહેલી એપ્રિલ-૨૦૨૫માં ડીએમાં ચાર ટકાનો વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં સરકારના કર્મચરીઓને ૧૮ ટકા ડીએ મળે છે.