ગામના લોકોએ 25 કૂતરાઓને શોધી મોતને ઘાટ ઉતાર્યા
વાયરલ થયેલા વીડિયો પરથી તે સ્પષ્ટ થતું હતું કે, ગામના લોકોએ કૂતરાઓને શોધ્યા હતા અને લાકડીથી ફટકારતાં તેમના મોત થયા હતા
રાજકોટ, ગુજરાતના સોમનાથ જિલ્લાના એક ગામમાં રસ્તે રખડતાં ઓછામાં ઓછા ૨૫ શ્વાન અને ગલુડિયાઓને લોકો દ્વારા કથિત રીતે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતાં એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ્સમાં રોષ ફેલાયો છે.
મૂંગા જીવ સાથે આ ગુનો થોડા દિવસ પહેલા વેરાવળ તાલુકાના આજાેઠા ગામમાં આચરવામાં આવ્યો હતો. ક્રૂરતાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. એનિમલ વેલ્ફર બોર્ડે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ કૃત્યમાં સામેલ શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરતી રજૂઆત કરી છે.
સાવ આવું ના હોય, માણસાઈ તો ઠીક રાક્ષસોને સારા કહેવડાવે એવું કૃત્ય છે. 😣મોટા કુતરાઓ જ નહિ નાના ગલુડિયાંઓને પણ ના બક્ષ્યા.. શરમ કરો, 25 શ્વાનના હત્યાકાંડના આરોપીઓ ન બચવા જોઈએ @CMOGuj @sanghaviharsh @collectorgirsom @GujaratPolice pic.twitter.com/kFxVvVICGy
— Nidhi patel (@nidhirpatel6) January 27, 2023
મળેલી માહિતી પ્રમાણે, ગામમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોએ સ્વસ્છતા અભિયાન હાથ ધર્યું હતું. વાયરલ થયેલા વીડિયો પરથી તે સ્પષ્ટ થતું હતું કે, ગામના લોકોએ કૂતરાઓને શોધ્યા હતા અને લાકડીથી ફટકારતાં તેમના મોત થયા હતા. કેટલાક કૂતરાને બોરીમાં ભરીને માર મારવામાં આવ્યો હતો.
પીડાના કારણે કૂતરાઓનો રડવાનો અવાજ પણ વીડિયોમાં સંભળાતો હતો. રાજ્યના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે ગીર સોમનાથના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
શાહે કહ્યું હતું કે ‘સ્થાનિક સત્તાધીશો દ્વારા નાના ગામડાઓમાં એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ લાગુ કરવામાં આવતા નથી. પરિણામે, કૂતરાઓની વસ્તી વધી રહી છે. જાે કે, તેમના પર આવી ક્રૂરતા આચરવી તે ફોજદારી ગુનો છે અને અમે ગુનેગારો સામે કાર્યવાહીની નિંદા કરીએ છીએ.
ગીરસોમનાથના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજાએ વાતચીતમાં કહ્યું હતું કે, ‘અમે વીડિયો મળ્યા બાદ આ આરોપોની ચકાસણી કરવા માટે એક ટીમ મોકલી છે. અમને હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી અને કોઈ પણ ફરિયાદ કરવા માટે આગળ આવ્યું નથી. જાે કૂતરાઓની સામૂહિક હત્યાનો અમે પુરાવો મળ્યો તો અમે ગુનો નોંધીશું’.