25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડિયાએ ‘મતદાન જાગૃતિ’ અંગે કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું

મતદાન જાગૃતિનો દીવો પ્રગટાવતો દિવ્યાંગ યુવાન જય ગાંગડિયા-દિવ્યાંગ યુવાને પોતાની અનોખી કળાથી મતદાન પર્વમાં સહભાગી થવાનો સંદેશો પાઠવ્યો
અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
અમદાવાદના એક એવા દિવ્યાંગ યુવાનની વાત કરવી છે, જે અચૂક મતદાન માટેનો જુસ્સો અને પ્રેરણા આપી રહ્યા છે. શહેરના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડિયાએ ‘મતદાન જાગૃતિ’નો દીવો પ્રગટાવ્યો છે. પોતાની આગવી ચિત્રકળાથી જયે ‘મતદાન જાગૃતિ’ અંગેનું કેનવાસ પેઇન્ટિંગ બનાવી લોકોને મતદાન પર્વમાં સહભાગી થવાનો સંદેશ પાઠવ્યો છે.
જય ગાંગડિયાએ ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, ‘વોટ ફોર ઇન્ડિયા’ જેવા મતદાન જાગૃતિને લગતા વિવિધ પેઇન્ટિંગ બનાવ્યાં છે. દિવ્યાંગ યુવાન જયે ‘હું પણ મતદાન કરીશ, તમે પણ મતદાન કરો’ ની જાહેર અપીલ કરી દેશહિત ખાતર લોકશાહીના પર્વમાં સહભાગી થવા લોકોને પ્રેરિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડિયાને શ્રેષ્ઠ દિવ્યાંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મૂર્મુજીના હસ્તે પ્રાપ્ત થયો હતો. જયે પોતાની આગવી કળાથી છેલ્લાં 6 વર્ષોમાં 350થી વધુ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે.