ડોનાલ્ડ ટ્ર્મ્પને છેતરપિંડી કેસમાં ૨૫૦ મિલિયન ડોલરનો દંડ થવાની શક્યતા
ન્યૂયોર્ક, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મેનહટન સુપ્રીમ કોર્ટ છેતરપિંડીના એક કેસમાં ચુકાદો આપવાની છે.
ટ્રમ્પ પર આ મામલામાં ૨૫૦ મિલિયન ડોલરનો દંડ અને તેમની માલિકીની કંપનીઓ પર ન્યૂયોર્કમાં વેપાર કરવા પર પ્રતિબંધ લાગે તેવી પણ શક્યતાઓ છે.
મેનહટન સુપ્રીમ કોર્ટના જજ આર્થર એંગોરન આ મામલામાં ચુકાદો આપવાના છે. તેમણે કહ્યુ હતુ કે, જાન્યુઆરીના અંત સુધીમાં કોર્ટ પોતાનો ર્નિણય આપે તેવી શક્યતા છે.
આ મામલામાં ટ્રમ્પ સામે લોન લેવા માટે અને ઈન્સ્યોરન્સની શરતો પૂરી કરવા માટે પોતાની સંપત્તિના વેલ્યુએશનના આંકડા વધારીને રજૂ કરવાનો આરોપ લાગેલો છે. ન્યૂયોર્કના એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સ દ્વારા આ કેસમાં ટ્રમ્પના બે સૌથી મોટા પુત્રો એરિક અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પર પણ આરોપ લગાવવામાં આવ્યા છે.
આ કેસની સુનાવણી ૨ ઓક્ટોબર, ૨૦૨૩થી શરુ થઈ હતી. હવે આખરી દલીલો માટે આ કેસની ફરી કોર્ટમાં સુનાવણી થશે.
જજ એંગોરને પહેલા જ કહ્યુ છે કે, ટ્રમ્પ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે પણ દંડ કેટલો કરવો તેના પર ર્નિણય લેવાયો નથી. કાયદાકીય જાણકારોનુ માનવુ છે કે, ન્યાયાધીશ પૂરે પુરો ૨૫૦ મિલિયન ડોલરનો દંડ ફટકારી શકે છે અથવા નાણાકીય દાવાને ફગાવી પણ શકે છે.
અખબારી અહેવાલ અનુસાર લેણદારો તેમજ ઈન્સ્યોરન્સ કંપનીએ નાણાકીય નુકસાનનો જે દાવો કર્યો છે અને તે બદલ એટોર્ની જનરલે જે વળતરની માંગણી કરી છે તેમાં દંડની રકમ હટાવી શક્ય નથી. આ કેસમાં ૧૧ સપ્તાહમાં ૪૦ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે.
ટ્રમ્પ પરિવાર દ્વારા આ તમામ આરોપોને ફગાવી દેવાયા હતા. જાેકે કોર્ટે કેસ શરુ થતા પહેલા જ ટ્રમ્પને છેતરપિંડી માટે જવાબદાર ઠેરવ્યા હતા. એ પછી ટ્રમ્પની કંપનીના બિઝનેસ લાઈન્સ રદ કરવામાં આવ્યા હતા. જાેકે અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી આ ર્નિણય પર રોક લગાવાઈ છે.
જાણકારોનુ માનવુ છે કે, આ કાનૂની લડાઈ લાંબી ચાલશે. આ મામલામાં ટ્રમ્પ અપીલ પણ કરી શકે છે અ્ને ૨૦૨૪ની રાષ્ટ્રપતિ ચૂંટણી પછી પણ કેસ ચાલી શકે છે. જાે ટ્રમ્પની કંપનીના બિઝનેસ લાઈસન્સ પર પાંચ વર્ષ કે તેનાથી વધારે સમય સુધી રોક લાગેલી રહી તો ટ્રમ્પની કંપનીને ભારે નુકસાન વેઠવુ પડી શકે છે.
આ કેસમાં ટ્રમ્પ પોતે આઠ દિવસ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે ન્યાયાધીશ, એટોર્ની જનરલની સાથે સાથે કોર્ટના ક્લાર્કની પણ ઝાટકણી કાઢી હતી. તેમના વર્તાવ બદલ કોર્ટે ૧૫૦૦૦ ડોલરનો દંડ પણ ફટકાર્યો હતો. હવે આ મામલામાં કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર આખા અમેરિકાની નજર રહેશે. SS2SS