251 વર્ષથી યાત્રાધામ ડાકોરમાં રથયાત્રા નિકળે છે
ડાકોરમાં ભગવાન રણછોડરાયની ૨૫૨ મી રથયાત્રા નીકળી
(પ્રતિનિધિ) નડિયાદ, યાત્રાધામ ડાકોરમાં અષાઢી બીજે ગુરુ પુષ્યનક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની ૨૫૨મી રથયાત્રા નીકળી હતી. પંરપરાગત રીતે દર વર્ષે નીકળતી આ રથયાત્રામાં ગુજરાત ભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટે છે. આજે ભવ્ય ઠાઠ સાથે નીકળેલી આ રથયાત્રા નિયત કરેલા ૮ કીમીના રૂટ પર ફરી ભગવાન ભક્તોના દ્વારે પહોંચી દર્શન આપે છે.
આ પ્રસંગે ભક્તો પણ હરખાયા છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અષાઢી બીજે બરાબર સવારે ૯ કલાકે ચાંદીથી સજાયેલા રથમાં ભગવાનને બીરાજમાન કરાયા હતા. આ પહેલા શાસ્ત્રોક્ત રીતે પૂજન, અર્ચન પણ કરાયું હતું. મંદિરના ઘુમ્મટમાં ચાંદીના રથનું અધિવેશન કરી ઠાકોરજીને બીરાજમાન કરાયા હતા.
આ બાદ ભાવિકો દ્વારા રથ ખેંચીને મંદિરની પરંપરા મુજબ પરિસરમાં કુંજોમાં ગોપાલલાજીને બેસાડી ફણગાયેલા મગ, કેરી, જાંબુ, સાકરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને સુખપાલમા બેસાડી મંદિર બહાર જોતરે જોડેલા ચાંદીના રથમાં બેસાડીને નક્કી કરેલા રૂટ પર રથયાત્રા નીકળી હતી. આ સમયે હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.