રાજ્યના તમામ ૨૫૨ તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસીસ સુવિધા: ૬૭૨થી વધુ ડાયાલિસીસ મશીનો કાર્યરત
વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત-રાજ્યમાં ૧૭ લાખથી વધુ વખત નાગરિકોએ વિનામૂલ્યે ડાયાલિસીસ સુવિધાનો લાભ મેળવ્યો
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કિડનીના રોગથી પીડાતા દર્દીઓ માટે જીવાદોરી સમાન ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ૮૨ નિઃશુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ નવા ૧૬૨ ડાયાલિસીસ કેન્દ્રો કાર્યાન્વિત કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. આ ઉપરાંત રાજ્યના તમામ ૨૫૨ તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસીસ સુવિધા આગામી સમયમાં ઉપલબ્ધ કરાવાશે.આ ઉપરાંત મોબાઈલ ડાયાલિસીસ વાન પણ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કાર્યરત થનાર તમામ કેન્દ્રો પર ડાયાલિસીસની વૈશ્વિક કક્ષાની અને એકસમાન સુવિધા ઉપલબ્ધ થશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમની વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કિડનીના દર્દીઓને ડાયાલિસીસ સુવિધાઓ પૂરી પાડવા માટે ‘One Gujarat One Dialysis’ના અભિગમ સાથે દેશનું સૌથી મોટું ડાયાલિસીસ નેટવર્ક રાજ્યમાં કાર્યરત છે. આ પ્રકારનો આરોગ્ય કાર્યક્રમ ભારતમાં પ્રથમ વખત સાકાર થવા જઈ રહ્યો છે,
જે દેશનો સૌથી મોટો ડાયાલિસીસ ચેઈન પ્રોજેક્ટ છે. રાજ્યના દરેક તાલુકાઓમાં ડાયાલિસીસ સુવિધાઓ મળી રહે તેવા પ્રકારનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં ૬૭૨થી વધુ ડાયાલિસીસ મશીનો સાથે ૮૨ ડાયાલિસીસ કેન્દ્રોમાં ૧૭ લાખથી વધુ વખત નાગરિકોએ ડાયાલિસીસ સુવિધાનો વિનામૂલ્યે લાભ લીધો છે. ગુજરાત મોડલથી પ્રભાવિત થઈને રાજ્ય બહારના પરિવારો આ સેવાનો લાભ લેવા માટે કાયમી ધોરણે ગુજરાતમાં આવીને વસ્યા છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૩માં ૩૦ થી ૪૦ કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર ઉપલબ્ધ કરાવવા ‘ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ’ની શરૂઆત કરી હતી. વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા સાથે ડાયાલિસીસ કેન્દ્ર સુધી જવા માટે પીએમ-જનઆરોગ્ય યોજના હેઠળ ભાડા પેટે રૂ. ૩૦૦ આર્થિક સહાય પણ આપવામાં આવે છે એમ પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ તમામ સારવાર કિડની હોસ્પિટલના નેફ્રોલૉજિસ્ટ ડૉક્ટરોના સતત માર્ગદર્શનમાં થાય છે. રાજ્યમાં પ્રવર્તમાન ૮૨ કેન્દ્રોમાં આશરે ૩,૫૦૦થી વધુ દર્દીઓ ડાયાલિસીસની સારવારનો લાભ મેળવી રહ્યાં છે.
આ ડાયાલિસીસ કેન્દ્રોનું સંપૂર્ણ સંચાલન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-આઈ.કે.ડી.આર.સી., અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દરેક સેન્ટર પર ચાલી રહેલા ડાયાલિસીસનું ટેલિ-નિરીક્ષણ અને ડાયાલિસીસ મશીનનો તમામ લાઈવ ડેટા ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ મળતો રહે છે એમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.