26 કરોડના બેંક કૌભાંડનો વૉન્ટેડ આરોપી મુંબઈથી પકડાયો
રાજસ્થાન, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલી સુંદરમ ક્રેડિટ કૉ-ઑપરેટિવ બૅન્કના કથિત ૨૬ કરોડના કૌભાંડનાં બે વર્ષથી (26 cr bank fraud suspect Sundaram Credit co Operative Bank, Sirohi district, Rajasthan) ફરાર આરોપીને મુંબઈ પોલીસે શુક્રવારે રાત્રે દહિસરથી પકડ્યો હતો. આરોપી સામે રાજસ્થાનના સાત પોલીસ સ્ટેશનમાં ૧૩ ફરિયાદ નોંધાઈ હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. આરોપી દહિસરની (Dahisar, Mumbai, Maharashtra) એક બેઠી ચાલમાં છુપાયો હોવાની બાતમી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેને પકડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલી સુંદરમ ક્રેડિટ કૉ-ઑપરેટિવ બૅન્કમાં કથિત ૨૬ કરોડના કૌભાંડનો ૪૮ વર્ષનો આરોપી વિજય મોહનલાલ રાવલ બે વર્ષથી ફરાર હતો. તેની સામે રાજસ્થાનના પિંડવાડા, માઉન્ટ આબુ, પાલી, જોધપુર સહિતના જિલ્લામાં આવેલા વિવિધ ૭ પોલીસ સ્ટેશનમાં ૧૩ એફઆઇઆર નોંધાયા હતા.
પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર હતો. દહિસર પોલીસને બાતમી મળી હતી કે આરોપી દહિસર (પૂર્વ)માં પરબતનગરમાં આવેલી હરિશંકર તિવારી ચાલમાં આવ્યો છે. આથી પોલીસે અહીં દરોડો પાડીને વિજય રાવલની ધરપકડ કરી હતી.
દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર એમ. એમ. મુજાવરે કહ્યું હતું કે ‘રાવલ એક મોટા કૌભાંડનો આરોપી હોવા બાબતે અમે રાજસ્થાનના સિરોહી જિલ્લાના એસ. પી. મીના સાથે ફોનથી સંપર્ક કરીને ખાતરી કરી હતી. તેમણે તેની સામે ૭ પોલીસ સ્ટેશનમાં ૧૧ એફઆઇઆર નોંધાયા હોવાની માહિતી આપી હતી. અમે આરોપીને કોર્ટમાં રજૂ કરીને ૨૪ ડિસેમ્બર સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને સિરોહી જિલ્લાના પિંડવાડા પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરી છે.’