26 ઘરફોડ ચોરીમાં કુખ્યાત બિજુડા ગેંગનો સાગરિત સોનુ રોકડ સાથે ઝડપાયો
શામળાજી, અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસે ગુજરાતમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપવામાં કુખ્યાત બિજુડા ગેંગના સાગરિત જીતેન્દ્ર ઉર્ફે લાલા ડામોર મોડાસા શહેરમં ચોરી કરેલ સોનાના દાગીના વેચવા પહોંચે તે પહેલા શામળાજીના ભવાનપુર ગામ નજીકથી એક્ટિવા સાથે દબોચી લઈ સોનાની લગડી સહિત પ.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
જીતેન્દ્ર ઉર્ફે લાલો ડામોર રાજયના જુદા-જુદા જિલ્લામાં ર૬ ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ હતો. અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે જિલ્લામાં વણઉકેલાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી બાતમીદારો સક્રિય કરતા બિછુડા ગેંગનો સાગરિત જીતેન્દ્ર ઉર્ફે લાલા મોંઘા ડામોર (રહે. ધામોદ-રાજસ્થાન) ચોરી કરેલા
સોનાના દાગીના વેચવા એક્ટિવા લઈ શામળાજીથી મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસ સતર્ક બની શામળાજીના ભવાનપુર પાસે વોચ ગોઠવી રોડ પરથી પસાર થતો દબોચી લઈ ૪.ર૦ લાખની સોનાની લગડી, ૩૮ હજાર રોકડ રકમ સહિત મોબાઈલ અને એક્ટિવા મળી કુલ રૂ.પ.૦૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા
આઠ મહિના અગાઉ ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે તેના સાગરીતો સાથે મળી કરેલ લુંટના સોનાના દાગીના દાગી સોનાની લગડી બનાવી ઘરે સંતાડી રાખી હોવાની કબૂલાત કરી લીધી હતી.
જીલ્લા એલસીબી પોલીસે ધારાસભ્ય બરંડાના પત્નીને બંધક બનાવી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા ચોથા આરોપીને દબોચી લેવામાં સફળતા મળી હતી.