26 જાન્યુઆરીએ પોલીસે લાઠીચાર્જ કર્યો તો અમે પણ પાછા નહીં પડીએઃ ખેડૂતો
નવી દિલ્હી, નવા કૃષિ કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરનાર ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી કાઢવા માટે મક્કમ છે.એટલુ જ નહી ખેડૂતો લાઠીઓ બનાવી રહ્યા છે અને એકઠી કરી રહ્યા છે.
ખેડૂતોનુ કહેવુ છે કે, 26 જાન્યુઆરીએ અમને રોકવા માટે જો પોલીસે લાઠીઓ વરસાવી તો અમે પણ પાછા નહીં પડીએ.ટ્રેકટર માર્ચમાં જોડાવા માટે ખેડૂતો પહોંચી રહ્યા છે અને તેમના હાથમાં લાઠીઓ જોવા મળી રહી છે.જ્યાં ખેડૂતોએ મોરચો માંડ્યો છે ત્યાં નવી લાઠીઓ બનાવવાનુ કામ પણ ચાલી રહ્યુ છે.
ખેડૂતોના કહેવા પ્રમાણે પંજાબના દરેક ગામડામાંથી 30 થી 50 ખેડૂતો લાઠીઓ સાથે પહોંચી રહ્યા છે.બીજી તરફ જે તંબૂમાં લાઠીઓ બનાવવામાં આવી રહી છે ત્યાં મીડિયાને તસવીરો ખેંચવા માટે મનાઈ છે.ખેડૂતોનુ કહેવુ છે કે, હવે આંદોલન નિર્ણાયક તબક્કામાં પહોંચી ચુક્યુ છે.અહીંથી ખેડૂતો હવે નવા ભારતનુ નિર્માણ કરીને જ પાછા ફરશે.
ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.ખેડૂત સંગઠનોનો દાવો છે કે, એક લાખ ટ્રેકટરો આ રેલીમાં ભાગ લેવાના છે.