Western Times News

Gujarati News

26 વર્ષીય તેલુગુ એક્ટ્રેસ ગાયત્રીનું કાર અકસ્માતમાં ઘટનાસ્થળે મોત

હૈદારાબાદ, સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી તેલુગુ એક્ટ્રેસ ગાયત્રીનું શુક્રવારના રોજ હૈદરાબાદમાં એક રોડ અકસ્માતમાં મોત થયું હતું. ગાયત્રી હોળી પાર્ટી કરીને મિત્ર રાઠોડ સાથે કારમાં ઘરે પરત ફરી રહી હતી. ગાયત્રી 26 વર્ષની હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર ગાયત્રીનો મિત્ર રાઠોડ ચલાવતો હતો. હૈદારાબાદના ગાચીબોવલી વિસ્તારમાં અકસ્માત થયો હતો. કારની સ્પીડ વધારે હોવાથી રાઠોડ કંટ્રોલ રાખી શક્યો નહીં. કાર ડિવાઇડર કૂદીને અથડાઈ હતી. અકસ્માત એ હદે ભયાનક હતો કે ગાયત્રીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે મિત્રે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાર રસ્તે ચાલતી એક મહિલા સાથે ટકરાઈ હતી. ત્યાર બાદ ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. જે મહિલા સાથે કાર ટકરાઈ હતી તેનું પણ મોત થયું હતું.

ગાયત્રીનું સાચું નામ ડોલી ડિક્રૂઝ છે. ગાયત્રી યુટ્યૂબર પણ છે. તેની યુટ્યૂબ ચેનલ ‘જલસા રાયુડુ’ ઘણી જ લોકપ્રિય હતી. સો.મીડિયામાં લોકપ્રિયતા વધ્યા બાદ તેણે વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંતે’માં કામ કર્યું હતું. તેણે અનેક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે.

ગાયત્રીના આકસ્મિક અવસાનથી ચાહકો અને સેલેબ્સ આઘાતમાં છે. વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ અંતે’માં ગાયત્રીની માતાની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ સુરેખાએ સો.મીડિયામાં ગાયત્રીને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘તું કેવી રીતે તારી આ મોમને છોડીને જઈ શકે, સાથે ઘણો જ સારો સમય પસાર કર્યો. હજી પણ વિશ્વાસ થતો નથી. મહેરબાની કરીને પાછી આવી જા, આપણે સાથે પાર્ટી કરીશું. ઘણુંબધું શૅર કરવું છે, આવી જા…આ સમય જવાનો નથી. હું તને યાદ કરવા માગતી નથી..સંભાળજે…હંમેશાં પ્રેમ કરીશ…’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.