26/11 જેવા મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા આતંકી: PM મોદીએ કરી બેઠક
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના નગરોટામાં આતંકીઓ સાથે ભારતીય સુરક્ષાદળોની અથડામણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવી ગયા છે. પીએમ મોદીએ આ મામલાને લઈને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. ખાસ વાત એ છે કે આ મિટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સામેલ રહ્યા હતા. સરકારી સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે 26/11ની વરસી પર આતંકવાદી મોટા હુમલા વિશે પ્લાનિંગ કરી રહ્યા હતા.
સરકારી સૂત્રોના મતે જમ્મુ-શ્રીનગર હાઇવે પર નગરોટોમાં માર્યા ગયેલા ચાર આતંકી 26/11 હુમલાની વરસી પર મોટું ષડયંત્ર કરી રહ્યા હતા. ગુરુવારે સવારે આતંકવાદી ટ્રકમાં સંતાઇને જઈ રહ્યા હતા.
જોકે ભારતના મજબૂત ઇન્ટેલિજન્સીના કારણે આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ થયું હતું. ઉલ્લેખનીય છે કે આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે લાંબી અથડામણ ચાલી હતી.
રક્ષાબળો દ્વારા બેન ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરી વાહનોની તલાશી કરવામાં આવી રહી હતી. તેવા સમયે આતંકીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી આતંકી જંગલ તરફ ભાગી ગયા હતા અને સવારે 5 કલાકે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ્સ પ્રમાણે સૂત્રોએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકી જૈશ એ મોહમ્મદના હોવાની સંભાવના છે. જમ્મુ ઝોનના આઈજી મુકેશ સિંહે કહ્યું હતું કે એ બની શકે કે આતંકવાદી આગામી ડીડીસી ચૂંટણીને લક્ષ્ય બનાવીને મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા