Western Times News

Gujarati News

ખેડામાં સમસ્ત ક્ષત્રિય સમાજના 26 સંગઠનો દ્વારા રૂપાલા વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવા રજૂઆત

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ચરમસીમાએ છે. વિવાદીત નિવેદન મામલે પુરૂષોત્તમ રૂપાલા વિરુદ્ધ પગલા ભરવામાં આવે અને ઉમેદવાર પદ પરથી હટાવવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં વિરોધના વંટોળ પ્રસર્યા છે બુધવારે ખેડા જિલ્લામાં સમસ્ત ક્ષત્રિય સમાજના ૨૬ સંગઠનોના આગેવાનો એકઠા થયા હતા અને પૂરૂષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આ આવેદનપત્રની નકલ વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ, ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષને મોકલાવામાં આવી છે.

જિલ્લા કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, રાજકોટ લોકસભા ૨૦૨૪ની ચુંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોસોતમ રૂપાલા દ્વારા સામાજીક ધાર્મિક લાગણી દુભાવીને હિન્દુ સમાજની એકતા, અખંડિતતા અને સંગઠીત હિન્દુ સમાજમા આંતરીક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરેલ છે. હિન્દુ સમાજની સામાજીક એકતા જોખમાય તેવું ભાષણ આપેલ છે. અને રાજ પરિવારોને ઉદેશીને નિમ્ન કક્ષાના ઉચ્ચારણો કરેલા છે. જે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજના રાજા મહારાજાઓએ અનાદિકાળથી રાષ્ટ્ર ધર્મની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યુ છે.

તેમજ અખંડ ભારત દેશ માટે પોતાના રાજતાજમાં ભારતીના ચરણોમા સમર્પીત કરેલ છે. તેમજ વર્ષો સુધી સમસ્ત સનાતન હિન્દુ સમાજના રક્ષણ અને પોષણની ચિંતા કરી છે. આવો ઉજળો ઈતિહાસ ધરાવનાર આ ક્ષત્રિય રાજપુત સમાજ માટે નિમ્ન કક્ષાના વાણી વિલાસથી સમસ્ત ગુજરાતમા ક્ષત્રિય રાજપુત સમાજની લાગણી દુભાઈ છે. તેમજ પુરષોસોતમ રૂપાલાએ જે કાર્યક્રમમા આ ભાષણ કર્યું હતું તે કાર્યક્રમની મંજુરી લેવામા આવી હતી કે કેમ ?

અને જો મંજુરી ના લેવામા આવી હોય તો આદર્શ આચાર સહિતાનો કડકાઈથી ચુસ્તપણે અમલ કરવામાં આવે તેમજ ભારતના ચુટણી પંચ તરફથી વીડીયોગ્રાફી પણ ઉતારવી ફરજીયાત છે. તો આ વીડીયોગ્રાફીમા રૂપાલાએ કરેલ ઉચ્ચારણોને પગલે આચાર સહિતાનો ખુલ્લેઆમ ભંગ થાય છે. મદદનિશ ચુટણી અધિકારી, પોલીસ ઈન્સ્પેકટર,

અને ફરજ ઉપરના પોલીસ અધિકારી, ચુટણી અધિકારીઓના નિવેદનો નોંધી રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા ઉપર ચુંટણીના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે. ક્ષત્રિય રાજપુત સમાજ કોઈ પણ રાજકીય પક્ષનો વિરોધ કે સમર્થન કરતો નથી.

પરંતુ સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજની લાગણી દુભાઈ હોય તેવું નિવેદન આપનારને યોગ્ય ન્યાયીક નિયમ મુજબ કાયદેસર પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે.

ક્ષત્રિય આગેવાન મહિપાલસિંહ ચૌહાણ જણાવ્યું કે, ખેડા જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભાજપના વરિષ્ઠ આગેવાન પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય અને તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવે તે હેતુસર આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જો આ અમારી માંગણી નહીં સંતોષાય તો, આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેમ જણાવ્યું છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.