Western Times News

Gujarati News

યુરોપના ૨૭ દેશ યુએસના આકરી ટેરિફનો જડબાતોડ જવાબ આપશે

બ્રસેલ્સ, અમેરિકામાં પ્રમુખપદ સંભાળ્યા પછી ટ્રમ્પે ટેરિફની તલવાર વીંઝવા માંડી છે. ટ્રમ્પે તાજેતરમાં અમેરિકામાં આયાત થતા વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ લાદવાનું એલાન કર્યું છે. ટ્રમ્પના આ નિર્ણયથી યુરોપના અનેક દેશો પર વિપરિત અસરની સંભાવાના હોવાથી યુરોપિયન યુનિયનમાં નારાજગી ફેલાઈ છે.

યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ અમેરિકાએ લાદેલા ટેરિફનો જડબાતોડ જવાબ આપવા કમર કસી છે, જેના પગલે અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે ટ્રેડ વોર શરૂ થવાની શક્યતા છે.

યુરોપિયન યુનિયનના વડા ઉરસુલા વોન ડેર લેઈને ટ્રમ્પ સરકારના પગલાનો નક્કર જવાબ આપવાની તૈયારી દર્શાવી હતી અને યુરોપિયન યુનિયનના આર્થિક હિતોને જાળવવાનો હુંકાર કર્યાે હતો. વધુમાં ડેર લેઈને કહ્યું હતું કે, ટેરિફનો સીધો મતલબ ટેક્સ છે અને નવા ટેક્સ વેપાર અને વપરાશકારો માટે નુકસાનકારક છે.

યુરોપિયન દેશોમાં સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સંસદમાં ખુલાસો કર્યાે હતો કે, અમેરિકા દ્વારા કોઈ વિકલ્પ નહીં રખાય તો યુરોપિયન સંઘના દેશો એકજૂથ થઈને જડબાતોડ જવાબ આપશે. તેના કારણે બંને દેશના વેપાર-ઉદ્યોગ અને સમૃદ્ધિને અસર પહોંચશે.

અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક સ્પર્ધા સામે રક્ષણ આપવાના હેતુથી ટ્રમ્પ સરકારે વિદેશના સ્ટીલ-એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ નાખ્યો છે. ટેરિફના કારણે આયાતી સ્ટીલ-એલ્યુમિનિયમ મોંઘા થશે અને એકંદરે ઘરેલુ ઉત્પાદકોને લાભ થશે. ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ આ પ્રકારના ટેરિફ લાદ્યા હતા અને તેના કારણે મહત્ત્વના સહયોગી રાષ્ટ્રો સાથે અમેરિકાના સંબંધ વણસ્યા હતા.

અગાઉ ૨૦૧૮ના વર્ષમાં યુરોપિયન યુનિયને અમેરિકામાં બનતા મોટરસાઈકલ, બોરબોન, પીનટ બટર, જીન્સ જેવી વસ્તુઓ પર ટેરિફ અમલી કર્યા હતા. આ વખતે પણ અમેરિકામાંથી મોટા પાયે નિકાસ થતી વસ્તુઓ પર યુરોપિયન દેશો દ્વારા ટેરિફ લદાય તેવી શક્યતા છે.

અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે વર્ષ ૨૦૨૩માં ૮૭૮ અબજ ડોલરનો વેપાર થયો હતો, જેમાં યુરોપિયન યુનિયનનું સરપ્લસ ૧૬૧ અબજ ડોલર હતું. સર્વિસ સેકટરમાં ૭૧૦ અબજ ડોલરના વ્યવહાર થયા હતા અને તેમાં યુરોપિયન યુનિયનની વેપાર ખાધ ૧૦૭ અબજ ડોલર હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.