27 અધિકારીને સસ્પેન્ડ કર્યાં અમદાવાદ મ્યુનિ. કમિશનરે
છેલ્લા એક વર્ષમાં આવી રીતે જ લગભગ ર૦૦ જેટલા કર્મચારીઓને શો-કોઝ નોટીસ-જેમાં વર્ગ-૧ ના ર૭, વર્ગ-ર ના પ૩, વર્ગ-૩ ના ૬૦ તથા વર્ગ-૪ ના પ૦ કર્મચારીઓ છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને ગેરરીતિ, બેદરકારી, નિષ્ક્રિયતા તેમજ લાંચ લેતા પકડાવવા જેવા કારણોસર આઈ.આર. વિભાગ દ્વારા શો-કોઝ નોટીસ આપવામાં આવે છે તેમજ તપાસમાં આરોપોમાં તથ્ય જણાય તો સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી થાય છે.
મ્યુનિ. આઈ.આર. વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં આવી રીતે જ લગભગ ર૦૦ જેટલા કર્મચારીઓને શો-કોઝ નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે તેમજ રપ કરતા વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિષ્ક્રિય અને કૌભાંડી અધિકારીઓ સામે આઈ.આર. વિભાગ મારફતે કાર્યવાહી કરવામાં આવે છે જેમાં સૌ પ્રથમ શો-કોઝ નોટીસ ત્યારબાદ ચાર્જશીટ ઈશ્યુ થાય છે અને કેસમાં ગંભીરતા જણાય તો જે તે કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે છે. ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં કુલ ૧૯૯ કર્મચારીઓને શો-કોઝ નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે.
જેમાં વર્ગ-૧ ના ર૭, વર્ગ-ર ના પ૩, વર્ગ-૩ ના ૬૦ તથા વર્ગ-૪ ના પ૦ કર્મચારીઓ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન ૧૧૬ કર્મચારીઓને ચાર્જશીટ પણ ઈશ્યુ કરવામાં આવે છે. વર્ગ-૧ ના ૯, વર્ગ-ર ના ૪ર, વર્ગ-૩ ના ૩૯ તથા વર્ગ-૪ ના ર૬ કર્મચારીઓનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ગંભીર ગુનાના આરોપસર ર૭ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
જે પૈકી ચાર કર્મચારીઓ એસીબીના હાથે લાંચ લેતા પકડાયા હતાં. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગુરૂવારે પણ બે એડીશનલ સીટી ઈજનેર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓને શો-કોઝ નોટીસ આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.