Western Times News

Gujarati News

ફરવા ગયેલા 27 મુસાફરો ઈઝરાયેલમાં ફસાયા

ભારતના 27 યાત્રાળુ જેરુસલેમમાં ફસાયા, પરિવારજનો ચિંતીત

(એજન્સી)જેરુસલેમ, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ગઈકાલથી ધમાસાણ યુદ્ધ શરૂ થયું છે અને બંને પક્ષે સેંકડો લોકો માર્યા ગયા છે. આ દરમિયાન ભારતથી ઈઝરાયલ ગયેલા કેટલાક યાત્રાળુઓ પણ ફસાઈ ગયા છે. 27 passengers stranded in Israel

મેઘાલયના ૨૭ યાત્રાળુ જેરૂસલેમ ગયા હતા પરંતુ ઈઝરાયલમાં ઈમરજન્સીની સ્થિતિ હોવાથી તેમના માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોએ સહીસલામત સ્વદેશ પરત આવવા માટે મદદ માંગી છે.

આ ઉપરાંત બીજા ભારતીયો પણ ઈઝરાયલમાં ટુરિસ્ટ તરીકે ગયા છે અને હવે તેઓ સોશિયલ મીડિયા પર હેલ્પ માંગી રહ્યા છે. ગાઝાપટ્ટીમાં સત્તા સંભાળતા હમાસે શનિવારે વહેલી સવારે ઈઝરાયલ પર એક સાથે ૫૦૦૦ રોકેટ ફાયર કર્યા હતા અને ઈઝરાયલના રહેણાક વિસ્તારોમાં ઘુસી ગયા હતા.

તેના કારણે લગભગ ૨૦૦ ઈઝરાયલીઓના મોત થયા છે. ઈઝરાયલે પણ યુદ્ધની જાહેરાત કરીને વળતો બોમ્બમારો કર્યો જેમાં પેલેસ્ટાઈનના ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ જણાવ્યું કે તેમના રાજ્યના ૨૭ યાત્રાળુઓ જેરૂસલેમમાં ફસાઈ ગયા છે. તેઓ આ અંગે વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે અને ભારતીયોને સહીસલામત લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

તાજા અહેવાલ પ્રમાણે ઈઝરાયલમાં ૧૦૦૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને તેઓ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. હમાસના સેંકડો ત્રાસવાદીઓ હથિયારો સાથે ઈઝરાયલમાં ઘુસી ગયા છે અને તેમણે સૈનિકો તથા સામાન્ય લોકોની કત્લેઆમ કરી છે. ઇઝરાયલના દક્ષિણ ભાગમાં હજુ પણ લડાઈ ચાલુ છે તેથી મૃત્યુઆંક વધી શકે છે.

ઇઝરાયલ ગયેલા પ્રસાદ નામના એક ભારતીયે કહ્યું કે અહીં હજારો રોકેટ ફેંકવામાં આવ્યા છે અને અમે બધા મુસીબતમાં છીએ. અમે ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને ઘરની અંદર પણ જાેખમ છે. અહીં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ઇઝરાયલની સ્થાપના પછી ભારતથી મોટા ભાગના યહુદીઓ ઈઝરાયલ જતા રહ્યા છે.

એક અંદાજ પ્રમાણએ હાલમાં ઈઝરાયલમાં ભારતીય મૂળના ૮૫,૦૦૦ યહુદીઓ વસવાટ કરે છે. ખાસ કરીને ૫૦ અને ૬૦ના દાયકામાં હજારોની સંખ્યામાં ભારતીય યહુદીઓ ઈઝરાયલ ગયા હતા.

તાજેતરમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે નવેસરથી વધારો થયો છે. યહુદીઓ માટે શનિવારે તહેવારનો દિવસ હતો ત્યારે જ ગાઝા પટ્ટીમાંથી હમાસે હુમલો કરી દીધો છે જેનો અગાઉથી અંદાજ મેળવવામાં ઈઝરાયલની વિશ્વ વિખ્યાત સુરક્ષા એજન્સીઓ પણ નિષ્ફળ રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગાઝા પટ્ટીમાંથી જેટલી વખત રોકેટ છોડવામાં આવે ત્યારે ઈઝરાયલે તેનો જડબાતોડ જવાબ આપીને ગાઝા પર બોમ્બમારો કર્યો છે. પરંતુ આ વખતે ગાઝામાંથી જે હુમલો થયો તે ઘણો વધારે પ્રચંડ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.