ભારતમાં ર૮ ટકા લોકોને તંબાકુ- સિગારેટની લત
તંબાકુ- સિગારેટથી થતા કેંસરમાં ૯૦ ટકાને મોંઢાનું કેંસર થતુ હોવાનો અંદાજ ઃ તંબાકુ- સ્મોકીંગ નિષેધ હોવાથી ઘણાં લોકો મેટ્રોમાં મુસાફરી ટાળે છે
(પ્રતિનિધિ) અમદાવાદ, ભારતમાં તંબાકુ (પાન-મસાલા-ગુટખા) તથા ધુમ્રપાનને કારણે વર્ષે દહાડે લાખો લોકોનાં મૃત્યુ થાય છે અનેક લોકો કેન્સરગ્રસ્ત થાય છે તેમ છતાં પાન-મસાલા ખાનાર કે સિગારેટ- બીડી પીનારા સુધરતા નથી. આજકાલ તો નાના બાળકો- સ્ત્રીઓ પણ ગુટખા ખાય છે ધુમ્રપાન કરે છે.
કેન્દ્ર અને રાજય સરકાર વારંવાર લોકોને સાવચેત કરતી હોવા છતા તેઓની આદત છૂટતી નથી. ઘણાં તો રાત- દિવસ ટોબેકો ખાતા નજરે પડે છે. સ્મોકીંગનું પ્રમાણ પણ વધી રહયુ છે. કોર્પોરેટર કલ્ચરમાં સિગારેટ પીવી જાણે કે એક ફેશન થઈ ગઈ છે. મોટી- મોટી કંપનીની ઓફિસનો સ્ટાફ પાનના ગલ્લે સ્મોકીંગ કરતો નજરે પડશે જેમાં યુવાનોની માફક યુવતીઓ બિન્દાસ્ત સ્મોકીંગ કરે છે.
ભારતમાં અંદાજે ર૮ ટકા કરતા વધુ લોકો તંબાકુ ખાય છે અગર તો સ્મોકીંગ કરે છે. ટૂંકમાં તંબાકુ ખાનાર સિગારેટ પીનારનો તેમાં સમાવેશ થાય છે. એક આંકડાકીય અંદાજ પ્રમાણે ૪ર ટકા કરતા વધુ પુરૂષો અને ૧૪ ટકા કરતા વધુ મહિલાઓ ટોબેકો (તમાકું)નું સેવન કરે છે. તબાકું ખાવાથી ભારતમાં વર્ષે લગભગ લાખો લોકોના અલગ અલગ કારણોસર મૃત્યુ થતા હોવાનો અંદાજ છે તંબાકુ ખાવાથી કેંસર થાય છે તેમ છતાં લોકો ગુટખા ખાવામાં નાનપ અનુભવતા નથી.
ભણેલા- અભણ, પુરૂષ- સ્ત્રી, યુવાનો- યુવતીઓ, સહિત સૌ કોઈ જાણે કે ચવાણું ખાતા હોય તેમ ગુટખા ખાય છે. દિવસના કેટલા રૂપિયાના ગુટખા થઈ જાય છે તેનો ખ્યાલ તેમને રહેતો નથી. આખો દિવસ પ્રાણીની માફક મોંઢામાં ગુટખા વાગોળતા જોવા મળશે. કોરોના આવ્યો બધુ સજ્જડ બંધ, પણ ગુટખા- સિગારેટ બંધ થયા નહી,
ગમે ત્યાંથી ગુટખા આવી જતા લોકો ગાડીઓ- સ્કુટરો લઈ ગુટખા- પાન-મસાલા- સિગારેટ ભરી ભરીને લાવતા હતા. મોં માંગ્યા ભાવે વેચાણ થયું. અરે આપણી અમદાવાદની શાન મેટ્રોમાં પાન-મસાલા ખાઈ શકાતા નથી એટલે ગુટખા ખાનારા ઘણા લોકો મેટ્રોમાં જવાનું ટાળે છે હદ તો ત્યારે થાય છે તેમાંથી કેટલીક આઈટમો તો પર્સ કે પગના મોંજામાં ગુટખા- પાન મસાલા છુપાઈને લઈ જતા હોવાની ચર્ચા છે. પાન-મસાલા ખાનારાને પાછુ એવુ કે જે ગલ્લેથી સોપારી ખાતા હોય ત્યાંની સોપારી- ચૂનો માફક આવે બીજી જગ્યાએથી સોપારી લેવાનું ટાળે છે.
ભારતમાં ગુટખા- સિગારેટના કારણે લગભગ કેંસરના કેસમાં ૯૦ ટકાને મોંઢાનું કેંસર થતું હોવાનો અંદાજ છે. જો ગુટખા છોડી દેવામાં આવે તો ઘણાં લોકોના જીવ બચી જાય સારવાર પાછળનો ખર્ચ બચે. ફેમીલીવાળાની ચિંતા ઘટે. કેંસરની સારવાર ખર્ચાળ હોવાની સાથે પિડાદાયક હોય છે. ખરેખર, જીવન-મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે તે આપણે જાણીએ છીએ, પરંતુ હાથે કરીને મોત વ્હાલું કરવું હોય તો પાન-મસાલા- ગુટખા ખાવ કે સિગારેટ- બીડી પીવો.