બીલીમોરામાં NDRFની બે ટીમો તૈનાતઃ 40 થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/navsari-1-1024x768.jpg)
નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. અંબિકા નદીની સપાટી વધતા સોનવાડી, ગડત, દેસરા ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે બીલીમોરા શહેરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી.
બીલીમોરામાં NDRFની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન ચાલુ કરાયું છે. બીલીમોરા ફસાયા લોકોને બચાવવા માટે 2 NDRFની ટીમો કામે લાગી. જેમાં લગભગ 40 થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળી છે. લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ લોકોમાં મહિલા અને બાળકો પણ છે, આ લોકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
ગણદેવીની વેંગણિયા નદી પરના પૂલ પર પાણી ફરી વળતાં બીલીમોરા સાથે ગણદેવીનો સીધો વાહન વ્યવહારને અસર પહોંચી હતી.
બીલીમોરા શહેરના શિપયાર્ડ, માછીવાડ, દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જ્યારે બીલીમોરા શહેરનું સ્મશાન પાણીમાં ગરકાવ થયું છે. નવસારીના બીલીમોરામાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. બીલીમોરાના ઘોલ ગામે અંબિકા નદીના પાણી ફરી વળ્યા જેના કારણે ઘોલ ગામ સંપર્કવિહોણું બન્યું છે. ઘોલ ગામમાં એટલું પાણી ભરાયું કે લોકોએ જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે હોડીનો સહારો લેવો પડ્યો છે.
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ ખાતેનો કોઝવે તુટી ગયો છે. જેથી વાંસદાના પીપલખેડથી ખેરગામ તરફ ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેંદ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 જૂલાઈએ પડેલા ભારે વરસાદમાં બીલીમોરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી શ્રી ડી.આર.પઢેરીયા અને પોલીસ કર્મચારીઓ દ્રારા ઉપરવાસમાં થઇ રહેલ વધુ વરસાદ કારણે બીલીમોરા બંદર વિસ્તારના કાંઠા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી જતા અસરગ્રસ્થ લોકોને બોટ દ્વારા સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવાની બચાવ કામગીરી કરવામા આવી હતી.