Western Times News

Gujarati News

સાઉથ કોરિયાની કંપનીના નામે ભળતો ઇમેઇલ કરી દવા કંપની સાથે ૩.૬૯ કરોડની છેતરપિંડી

અમદાવાદ, વિરમગામમાં દવા ઉત્પાદન કરતી કંપનીનો પ્લાન્ટ આવેલો છે. આ કંપનીની મુખ્ય ઓફિસ એસજી હાઇવે પર છે. આ દવાની કંપની વિવિધ દવાના ઉત્પાદન માટે સાઉથ કોરિયાની કંપની પાસેથી કાચો માલ ખરીદે છે. થોડા સમય પહેલાં દવાની કંપનીને એક ઇમેઇલ આવ્યો હતો.

જેમાં સાઉથ કોરિયાની કંપની તરફથી ઇમેઇલ મોકલાયો હોવાનું કહીને ભળતા આઇડી પરથી બેંક વિગતો બદલવા અંગે જાણ કરાઇ હતી. જેથી અમદાવાદની દવા બનાવતી કંપનીએ તે નવી બેંક વિગતો પ્રમાણે ૪.૪૩ લાખ યુએસ ડોલર એટલેકે ૩.૬૯ કરોડનું પેમેન્ટ કર્યું હતું.

પરંતુ તે પેમેન્ટ કોઇ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા મેળવી લેવામાં આવ્યું હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોપલમાં રહેતા ભાવિનભાઇ રાવલ ખાનગી દવા ઉત્પાદન કરતી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર છે. દવા ઉત્પાદન કરતી કંપનીનો વિરમગામ સચાણામાં ગ્લુકોઝની બોટલ અને એન્ટી બાયોટિક દવા ઉત્પાદનનો પ્લાન્ટ છે. દેશમાં ૨૫૦ સ્ટોકિસ્ટો આ કંપનીની દવાનું વેચાણ કરે છે અને કંપની ૫૦થી ૬૦ દેશોમાં દવા એક્સપોર્ટ કરે છે. દવા ઉત્પાદન કરતી કંપની અન્ય દેશોમાંથી કાચો માલ આયાત કરે છે.

જેમાંની સાઉથ કોરિયાની સપ્લાયર કંપનીના મેઇલ આઇડી પરથી એક ઇમેઇલ આવ્યો હતો. પેમેન્ટ માટેની બેંક ડિટેઇલ બદલવા માટેના કારણો દર્શાવ્યા હતા. અમદાવાદની કંપની તરફથી લેટરપેડ પર આ વિગતો માગવામાં આવી ત્યારે ઇમેઇલ કરનારે કેલિફોર્નિયાની બેંક વિગતો આપી હતી.

ઘણા સમય સુધી સાઉથ કોરિયાની કંપનીને પેમેન્ટ ન મળતા ફરી ઇમેઇલ આવ્યો હતો. જેથી તપાસ કરતા બેંક વિગતો બદલવાનો ઇમેઇલ કંપનીએ નહીં પણ કંપનીના ભળતા નામે ઇમેઇલ આઇડી બનાવી બનાવટી ઓથોરિટી લેટર મોકલીને ૪,૪૩,૫૨૦ ડોલર એટલે કે ૩.૬૯ કરોડનું પેમેન્ટ મેળવી લેવાયું હોવાનું સામે આવ્યુ હતું. દવા બનાવતી કંપની સાથે છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.