Western Times News

Gujarati News

છત્તીસગઢમાં ત્રણ ઓટોમેટિક રાઈફલ્સ જપ્તઃ 10 નક્સલી ઠાર

સૈનિકોને માહિતી મળી હતી કે, ઘણા નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી ડીઆરજીની ટીમ નક્સલવાદીઓને ઘેરવા નીકળી હતી.

(એજન્સી)સુકમા, છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં ૧૦ નક્સલવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક રાઈફલ્સ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે.

આઈજી બસ્તર પી સુંદરરાજે કહ્યું કે, છત્તીસગઢના દક્ષિણી સુકમામાં ડીઆરજી સાથેની અથડામણમાં ૧૦ નક્સલીઓ માર્યા ગયા હતા. ઈન્સાસ, એકે-૪૭, એસએલઆર અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે તેમજ સર્ચ ઓપરેશન ચાલુ છે.

મળતી માહિતી મુજબ, આજે સવારે નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. સૈનિકોને માહિતી મળી હતી કે, ઘણા નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી ડીઆરજીની ટીમ નક્સલવાદીઓને ઘેરવા નીકળી હતી. બંને તરફથી સેંકડો રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે.

આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારામ, ભંડારપદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થતો રહ્યો. બસ્તરના આઈજી પી સુંદરરાજે આ અથડામણની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દક્ષિણ બસ્તર, ગરિયાબંદ અને કાંકેરમાં પણ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ ચૂકી છે. છત્તીસગઢના અબુઝહમાડ જંગલમાં ૧૬ નવેમ્બરે નક્સલી અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને મૃતદેહો મળી આવ્યા હતા.

જેમાં સુરક્ષા દળોએ ૪૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર નક્સલીઓને ઠાર માર્યા હતા. તમામ નક્સલવાદીઓ માટે ૮-૮ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.