સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકો સહિત ત્રણ ડૂબ્યા
અમદાવાદ: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા પરશુરામધામ નજીક તળાવમાં (Raiyadhar Area Parshuramdham, Rajkot, Gujarat) સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસતા એક યુવતી સહિત પાંચ યુવાનો તળાવના ઉંડા પાણીમાં ડૂબ્યા હતા. જા કે, ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયરબ્રિગેડ, પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયરના જવાનોએ બે યુવતીઓને બચાવી લેવાઇ હતી પરંતુ એક યુવતી સહિત ત્રણ જણાંના તળાવના ઉંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજયા હતા.
પાંચેય યુવક-યુવતીઓ તળાવમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ડૂબ્યા એ જ સમયે માછલીને લોટ નાખવા આવેલા એક આધેડ વયના વ્યક્તિએ બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. જા કે, યુવક-યુવતીઓને બચાવવા જતાં આધેડનું પણ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ત્રણેય મૃતકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા. આ બનાવને લઇ લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.
આ અંગે પ્રપ્ત માહિતી મુજબ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા પરશુરામધામ નજીક તળાવ કિનારે ગયેલા યુવાનોમાં અજય પરમાર, શિક્ત સોલંકી તેની સાથે રહેલી દર્શના અને પૂજા નામની યુવતી સેલ્ફી પાડી રહી હતી. ત્યારે અકસ્માતે પૂજા નામની યુવતીનો પગ લપસતાં તે પાણીમાં પડી ગઈ હતી. સહેલી પાણીમાં પડતાં તેની પાછળ દર્શના તથા સાથે આવેલા અજય અને શક્તિ પણ તેને બચાવવા તળાવમાં કૂદયા હતા અને આ ચારેય ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
આ ઘટના વખતે ત્યાં દરરોજ માછલીને લોટ નાખવા આવતાં તરુણ નરભેરામ મેરજા નામના આધેડ આ યુવક યુવતીને બચાવવા માટે પાણીમાં કૂદયા હતા. તરુણ નરભેરામ મેરજાએ બંન્ને યુવતી પૂજા અને દર્શનાને પાણીની બહાર કાઢી હતી અને બંન્ને યુવક શક્તિ અને અજયને બચાવવા પાછા ગયા હતા. પરંતુ તરુણભાઈ પણ ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા અને અજય અને શક્તિ સાથે તરુણભાઈનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવ અંગે યુનિવસિર્ટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે કાર્યવાહી કરી હતી.
તળાવની પાળ પાસે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા પ્રતિબંધનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ તાકીદ કરાઇ છે કે, તળાવનું પાણી ઉંડુ હોય કોઇ પણ વ્યક્તિએ તળાવમાં ઉતરવું નહીં. જે કોઇ પણ વ્યક્તિ તળાવમાં ઉતરશે તો તેની અંગત જવાબદારી રહેશે. તેમ છતાં યુવતી અને યુવકો સેલ્ફની લ્હાયમાં તળાવ પાસે ગયા હતા અને સેલ્ફીના ચક્કરમાં અમૂલ્ય જીવન ગુમાવ્યું હતું. માત્ર રાજકોટવાસીઓ જ નહી પરંતુ તમામ યંગસ્ટર્સ માટે આ બહુ મોટી ચેતવણીરૂપ અને બોધપાઠ સમાન કિસ્સો છે કારણ કે, સેલ્ફીના લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે ત્યારે આ કિસ્સો બોધપાઠ સમાન કહી શકાય.