રાજકોટ, ટંકારા, લીલીયામાં ૩ ઈંચ! વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યું
રાજકોટ, ભાદરવા પુનમથી પિતૃ શ્રાધ્ધનો આરંભ થયો છે ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જળધારા કે સરવડાં રૂપે નહીં પણ જળધોધરૂપે અને વીજળીના ભયાવહ કડાકાભડાકા સાથે પાણી વરસાવ્યું છે. સતત બીજા દિવસે ઠેરઠેર ભારે વરસાદની સાથે અનેક સ્થળે વિજળી ત્રાટકી છે.
રાજકોટમાં આજે બપોરે સૂર્યનો તડકો અને વાદળોનું હવામાન રહ્યું હતું, બપોરે વિજળીના પ્રચંડ અવાજાે બાદ સાંજે અને રાત્રે બે કલાકમાં ત્રણ ઈંચ પાણી વરસાવી દેતા જળબંબાકાર સર્જાયો હતો.
ટંકારામાં સાંજ સુધી વિરામ બાદ રાત્રે ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો તો ખંભાળિયા,તલાલા, લીલીયા, આમરણમાં બે ઈંચ, માળિયા હાટીનામાં દોઢ ઈંચ અને અન્ય લગભગ તમામ તાલુકામાં ઝાપટાંથી એક ઈંચ સુધીનો વરસાદ સાથે રાત્રિના ૮ સુધીમાં રાજ્યના ૧૪૧થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી થઈ હતી.
રાજકોટ ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર સાંજે સાડાસાત,આઠ વાગ્યે ધોધમાર બે-સવા બે ઈંચ વરસાદ પછી મોડી રાત્રિના ફરી મેઘરાજાનું આગમન થયું હતું, દોઢથી બે કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં ૬૮ મિ.મિ., વેસ્ટઝોનમાં ૬૯ મિમિ સાથે આજી નદીથી પશ્ચિમ બાજુના રાજકોટમાં એકંદરે ત્રણ ઈંચ અને ઈસ્ટઝોનમાં ૪૯ મિ.મિ.સાથે બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે મૌસમનો કૂલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં ૩૭ ઈંચ, વેસ્ટઝોનમાં ૩૫ અને ઈસ્ટઝોનમાં ૨૯ ઈંચ થયો છે.
ગોંડલ તાલુકાના વાડધરી ગામે વનવિભાગના ઘાસ ભરેલા ગોડાઉન પર રાત્રિના આઠેક વાગ્યે આકાશી વિજળી ત્રાટકતા આગ ભભુકી ઉઠી હતી અને તેમાં રહેલું ૨ લાખ કિલો ઘાસ સળગીને નાશ પામ્યું હતું. ભીષણ આગને બુઝાવવા ગોંડલ ફાયરબ્રિગેડ ઉપરાંત રાજકોટથી ફાયર ફાઈટર બોલાવાયા હતા.
મોરબી જિ.ના માળિયામિયાણા નજીક હરિપર નજીક મીઠાના કારખાનામાં વિજળી પડતા રોહિત સુખભાઈ પાટડીયા (ઉ.૧૩) નામના કિશોરનું મૃત્યુ થયાનું જાહેર થયું છે. જ્યારે રમેશ મહાદેવભાઈ નામના૨૧ વર્ષના યુવાનને ઈજા પહોંચી હતી.
પોલીસ અને મામલતદાર સ્થળ પર ધસી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે તલાલા તાલુકામાં આજે બે ઈંચ વરસાદ સાથે આંબળાશ ગીરમાં ઉપરકોટ વિસ્તારમાં કાળાભાઈ સોલંકીના મકાન પર વિજળી પડી હતી અને એક રૂમની છત ધરાશાયી થઈ હતી, પરિવારના મહિલા બાળકો સહિતના સભ્યો બાજુના રૂમમાં હોય ચમત્કારિક બચાવ થયો હતો.
મોરબી જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળ્યો હતો અને વીજળીના પ્રચંડ કડાકા સાથે વરસાદથી માર્ગો પર પાણી ભરાયા હતા. જ્યારે વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે રવીરાજસિંહ જાડેજાના મકાનની છત પર વિજળી પડતા ઈલેક્ટ્રીક વસ્તુઓ બળી ગઈ હતી.
વાંકાનેર શહેરમાં પોણોથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો. મોરબીના આમરણ ચોવીસી વિસ્તારમાં સાંજે ચારથી છ દરમિયાન વિજળીના કડાકા સાથે બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
દેવભુમિ દ્વારકા જિલ્લામાં બીજા દિવસે ભારે વરસાદ જારી રહ્યો હતો, ગઈકાલે જામકલ્યાણપુરમાં રાત્રિ સુધીમાં સાડાત્રણ ઈંચ વરસાદ પછી આજે ખંભાળિયામાં માત્ર એક કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.
જુનાગઢ જિલ્લામાં કેશોદ અને વિસાવદરમાં બે ઈંચ વરસાદ બાદ પણ ગત રોજ મેઘવર્ષા જારી રહી હતી અને માળિયા હાટીનામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે કેશોદમાં વધુ અર્ધો ઈંચવરસાદ નોંધાયો છે. તો અમરેલી જિલ્લામાં પણ મેઘમહેર જારી રહી હતી અને લીલીયામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં રાજકોટ ગ્રામ્યમાં એક ઈંચ ઉપરાંત જામકંડોરણામાં ૬ મિ.મિ. તથા વિંછીયામાં સખત ગરમી બાદ ગાજવીજ સાથે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય લગભગ તમામ તાલુકાઓમાં વરસાદના અહેવાલો છે. મૌસમ વિભાગ અનુસાર દ્વારકા પાસે ઓખા સુધી મોન્સૂન ટ્રોફ સક્રિય છે તથા બંગાળની ખાડીમાં શક્તિશાળી લોપ્રેસરની સીસ્ટમ સર્જાઈ છે જેના પગલે આવતીકાલે રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દિવ સહિત સૌરાષ્ટ્રમાં ભારે (અઢીથી પાંચ ઈંચ ) વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે.HS1MS