આણંદ જિલ્લાના મહીસાગર નદીના કિનારાના ૨૨ ગામોને એલર્ટ રહેવાની સૂચના
કડાણા ડેમમાંથી ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મહી નદીમાં ઘોડાપૂર
(એજન્સી)આણંદ , મહીસાગરમાં કડાણા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે. રાજસ્થાનના બાસવાળાના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા કડાણા ડેમમાં આવક થઈ છે. ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ૭ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે.
કડાણા ડેમમાંથી ૧૫ ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. કડાણા ડેમની સપાટી ૪૧૨.૦૮ ફૂટે પહોંચી છે. કડાણા ડેમમાંથી ૩ લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે.
આણંદ જિલ્લાના મહીસાગર નદીના કિનારાના ૨૨ ગામોને એલર્ટ રહેવાની સૂચના આણંદ જિલ્લા ઇન્ચાર્જ કલેકટર મિલિન્દ બાપનાએ આપી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અતિ ભારે વરસાદ થતાં કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. કડાણા ડેમથી ૩ લાખ ક્યુસેક પાણી ખેડા જિલ્લાના ગળતેશ્વર સ્થિત વણાંકબોરી ડેમમાં છોડાતા વણાંકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. વણાંકબોરી ડેમનું પાણી સતત મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે.
વણાંકબોરી ડેમ ઓવરફ્લો થતાં અને મહીસાગર નદીની જળ સપાટી વધતા આણંદ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. આણંદ જિલ્લાના મહીસાગર નદીના કિનારાના ખાનપુર, ખેરડા, આંકલવાડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ખોરવાડ, આંકલાવ તાલુકાના બામણગામ, ચમારા, ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, આમરોલ, ભાણપુરા, બોરસદના ગાજના, સારોલ, કંકાપુરા, કોઠીયાખાડ સહિત ૨૨ ગામોના લોકોને સતર્ક કરાયા છે. મહિસાગરમાં તાંતરોલીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.