બોપલમાં ઘરફોડ ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 3 ગોધરા ડેપોમાંથી ઝડપાયા
ચડ્ડી બનિયાન ગેંગના ૩ સભ્યો ૩.૫૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાં
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દાહોદના ગરબાડાની ચડ્ડી બનીયાન ધારી ગેંગના ૩ સભ્યો ગોધરા બસ સ્ટેન્ડમાંથી એલસીબી પોલીસે ચોરી કરેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રકમ મળીને કુલ ૩.૫૧ લાખના મુદ્દમાલ સાથે પકડી પાડ્યા હતાં.
૧૮ દિવસ અગાઉ હાલોલ અને ગોધરામાં બંધ મકાન થયેલી ચોરીની ફરીયાદની તપાસ એલસીબી પોલીસ કરી રહી હતી.એલસીબી પોલીસને બાતમી મળી કે ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયા ગામના ચડ્ડી બનીયાન ધારી ગેંગના સભ્યો ચોરી કરેલ રોકડ સાથે દાગીનાનું વેચાણ કરવા નીકળ્યા છે.
તેઓ હાલ ગોધરા ડેપોમાં નાઇટી પહેરીને ઉભા છે. વોચ ગોઠવીને દાહોદ ગરબાડાની ચડ્ડી બનીયાન ધારી ગેંગના પ્રવિણભાઈ પલાસ, નવીનભાઇ કટારા તથા અજયભાઇ માવીને પકડી પાડયા હતા.
તેઓની પાસેથી ચોરી કરેલા ગોધરા ૧, હાલોલ ૧, અમદાવાદ બોપલ ચોકડી ૧, પાલનપુર ૪, અંકલેશ્વર ૩, કાપોદરા ૨, અરવલ્લીના ભીલોડા ૧ તથા માલપુર ૧, બનાસકાંઠા ૧, પાલનપુર ૨ બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરી.૨ લાખ રૂપિયાના સોનાં ચાદીના દાગીના તથા ૧.૫૦ લાખ રોકડ રકમ મળીને કુલ ૩.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે તેઓની પુછપરછ કરતાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ધારણ કરી બંધ મકાનોના તાળા તોડી ધરમાંથી દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જ્યારે ગેંગના અન્ય ૫ સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા. એલસીબી પોલીસે ગોધરા, હાલોલ રૂરલ, બનાસકાંઠાના બે તથા ભરૂચના અંકલેશ્વર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.