ચૂંટણીમાં મહત્તમ મતદારોની સહભાગિતા સુનિશ્ચિત કરવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા વધુ ૦૩ MoU કરવામાં આવ્યા
ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી, ધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ્ એસોસિએશન અને ધ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ્ એન્ડ ડ્રગિસ્ટસ્ એસોસિએશન સાથે MoU
ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા વધે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા વિવિધ સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ સાથે MoU કરવામાં આવી રહ્યા છે.
મતદારયાદીની સંક્ષિપ્ત સુધારણા બાદ હવે મતદારોમાં નૈતિક અને અચૂકપણે મતદાન કરવા અંગે જાગૃતિ કેળવવા વધુ ૦૩ MoU કરવામાં આવ્યા છે.
આ વર્ષે જ ભારતના ચૂંટણી પંચે મતદાતા તરીકે નોંધણી કરાવવાની લાયકાતમાં સુધારો કરી કુલ ચાર તારીખો જાહેર કરી હતી. જેના લીધે તા.૦૧લી ઓક્ટોબર સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો પણ મતદાન કરી શકશે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવાનો તેમના નામની મતદાર યાદીમાં ચકાસણી કરે, પોતે મતદાન કરે
અને પોતાના વાલીને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે માટે જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તથા કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ સાથે જ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ, કેમ્પસ એમ્બેસેડર્સ અને બુથ લેવલ ઑફિસર્સના સંકલનમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા પ્રયાસ કરવામાં આવશે.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ગુજરાત વડી અદાલતના તમામ વકીલો મતદાન કરે તે માટે ધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ્ એસોસિએશન સાથે MoU કરવામાં આવ્યા છે. એડવોકેટસ્ની મતદાનમાં ૧૦૦ ટકા સહભાગિતા સુનિશ્ચિત કરવાની સાથે સાથે
તેમની સાથે સંલગ્ન અદાલતની અન્ય કચેરીઓ-શાખાઓના કર્મચારીઓ પણ મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા એસોસિએશન પ્રયત્નબદ્ધ થશે તેવા વિશ્વાસ સાથે ધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ્ એસોસિએશનના ખજાનચીશ્રી ડી.એ. દવે દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ધ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ્ એન્ડ ડ્રગિસ્ટસ્ એસોસિએશન સાથે સંકળાયેલા રાજ્યભરના કેમિસ્ટસ્ એન્ડ ડ્રગિસ્ટસ્ સુધી ચૂંટણીલક્ષી શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
આ ફેડરેશન દ્વારા તેમના સભ્યો અને તેમના પરિવારજનોના નામ મતદારયાદીમાં નોંધાય અને મતદાન કરે તે માટે મતદાર જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સાથે જ મતદાનના દિવસે અચૂક મતદાન કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ધ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ્ એન્ડ ડ્રગિસ્ટસ્ એસોસિએશનના પ્રમુખશ્રી જશવંત પટેલ અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
લોકશાહીમાં દરેક મત મહત્ત્વનો છે ત્યારે આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય, મતદારોને પદ્ધતિસરનું શિક્ષણ મળે અને મતદાર જાગૃતિ કાર્યક્રમનો વ્યાપ વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે કરવામાં આવી રહેલા MoU મતદારોની મતદાન પ્રક્રિયામાં સહભાગિતા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.