Western Times News

Gujarati News

દહેજની કંપનીમાંથી ચોરી કરનાર ૩ શખસો ઝડપાયા

ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસના વેરહાઉસમાંથી કિંમતી પેલેડીયમ પાઉડરની ૬૭.૩૯ લાખની ચોરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) દહેજની ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસના (Glenmark Life Sciences godown at dahej) વેરહાઉસમાંથી અતિ કિંમતી પેલેડીયમ પાઉડરની ૬૭.૩૯ લાખની ચોરીમાં ભરૂચ પોલીસે પુષ્પાભાવ સહિત ૩ તસ્કરોને ઝબ્બે કરી લીધા છે.

દહેજના લખીગામમાં આવેલી ગ્લેનમાર્ક સાયન્સીસમાંથી તસ્કરો વેરહાઉસનો ઈમરજન્સી એક્ઝિટ તોડી અતિ કિંમતી પેલેડીયમ ડ્રાય પાવડરના બે ડ્રમ લઈ ગયા હતા.કંપની સત્તાધીશોએ દહેજ પોલીસ મથકે રૂપિયા ૬૭.૩૯ લાખના પાવડરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ, પી.આર.વાઘેલાએ દહેજ,મરીન અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ૩ ટીમો બનાવી તપાસ આરંભી હતી. કંપનીમાં ચોરીના સીસીટીવી ફૂટેજ,હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલી નંખાયો છે.

એલસીબી પીએસઆઈ પી.એમ.વાળાની ટીમને ચોરીમાં સંડોવાયેલ લુવારાનો પુષ્પાભાવ મયુર ઉર્ફે કિશન રાઠોડ ડભોઈના કનયડા ગામે હોવાની જાણ થતાં તેને ઉઠાવી લેવાયો હતો.જ્યારે મયુર ઉર્ફે મોન્ટુ હરીશ રોહિતને તેના અટાલી ગામ અને કંપનીમાં કિંમતી પાવડર હોવાની જાણ કરી ચોરી માટે ગેંગ તૈયાર કરનાર દહેજના જયદેવ સુરેશ પટેલને ગાંધીનગરથી હીરાસતમાં લેવાયો હતો.

ઝડપાયેલા ત્રણેય આરોપી ચોરી અને પ્રોહીબિશનમાં અગાઉ પકડાયેલા છે.કિંમતી પાવડર ચોરીનો પ્લાન બનાવતા મયુરે તેના અન્ય બે સાગરીતને તૈયાર કર્યા હતા. ભરૂચ પોલીસે પાવડર વેચી રોકડી કરેલા ૧૫ લાખ, ઇ૧૫ બાઈક, બુલેટ, બે મોબાઈલ મળી કુલ ૧૭.૨૧ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

જ્યારે ચોરીમાં સંડોવાયેલ ટોળકીના સુશીલ,સરદાર અને કંપનીનો જ કર્મચારી જશવંત રઘુવંશીને વોન્ટેડ જાહેર કર્યો છે.આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય પાવડરની રિકવરી, વોન્ટેડની તપાસ, પાવડર ખરીદનાર હિન્દી ભાષી વેપારીની શોધખોળ હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.