રાજકોટ ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડામાં 3 વ્યક્તિઓએ યુવાનની હત્યા કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/MURDER-1024x759.jpg)
રાજકોટ, રાજકોટ શહેરમાં સરાજાહેર ૩ વ્યક્તિઓએ હત્યા કરી હોવાની ઘટના બની છે. ૨૮ વર્ષીય સાગર ગઢવી નામના વ્યક્તિને દિવાળીની રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં પાંજરાપોળ પાસે ઢોર માર મારી છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના ભાઈ જયદેવ ગઢવી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શુભમ ઉર્ફે સૂબો રીબડીયા, કરણ ઝીંઝુવાડીયા અને કરણ રીબડીયા વિરુદ્ધ આઇપીસી ૩૦૨, ૧૧૪ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે.
ગઢવીના પિતરાઈ કમલેશની બાજુની શેરીમાં રહેતા આરોપીઓ સાથે ફટાકડા ફોડવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. ત્યાર બાદ દિવાળીની રાત્રે સાગર ગઢવીના મામાના દીકરા સંજય ગઢવી દ્વારા તેને ફોન કરીને પોતાના ઘર પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યારે મૃતક સાગર ગઢવી આરોપીઓને સમજાવવા જતા આરોપી શુભમ ઉર્ફે સુબાએ સાગર ગઢવીને ગાળો આપતા તેને ગાળ આપવાની ના પાડી હતી.
ત્યાર બાદ આરોપીઓ દ્વારા સાગરને અગાઉની ઘટનાનો ખાર રાખીને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. તેમજ શુભમ ઉર્ફે સુબા દ્વારા પોતાની પાસે રહેલ છરી વડે ઘા ઝીંકવામાં આવતા સાગર ગઢવીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના હાજર રહેલા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, પોતે પોતાના પરિવારજનો સાથે મોરબી રોડ ખાતે આવેલી સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહે છે. પોતે સિંગના કારખાનામાં મજૂરી કામ કરે છે જ્યારે કે પિતા રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. પોતે ત્રણ ભાઈઓ અને બહેન છે. સૌથી મોટો ભાઈ સુખદેવ જે સ્ટીલની કંપનીમાં કામકાજ કરે છે. તેમજ સાગર જે ત્રણે ભાઈઓમાં સૌથી નાનો છે અને હાલ મજૂરી કામકાજ કરે છે.
રવિવારની રાત્રે હું મારા પિતરાઈ રોહિત ગઢવી સાથે ચુનારા વાળ ખાતે નાસ્તો કરી રહ્યો હતો. તે દરમિયાન અન્ય પિત્તરાય સંજય ગઢવીનો ફોન આવ્યો હતો કે, સાગરને મારા ઘરની પાસે માથાકૂટ થઈ છે તેમજ તેને પેટના ભાગે છરી વાગેલ છે, જેથી અમે તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીએ છીએ. તમે પણ ત્યાં આવો. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા મારો ભાઈ સાગર ગઢવી બેભાન હાલતમાં જાેવા મળ્યો હતો.
તેમજ તેને પેટના ડાબી બાજુએ ઇજા પહોંચી હતી. જેના કારણે તેમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. દરમિયાન મારા પિતરાઈ સંજય ગઢવીએ મને કહ્યું હતું કે, શનિવારના રોજ ફટાકડા ફોડવા બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. જાેકે ત્યાર બાદ અમે તેમની સાથે સમાધાન કરી લીધું હતું. ત્યારે રવિવારના રોજ સાગરને ફોન કરીને ઘરે બોલાવવામાં આવતા તેની સાથે તેનો મિત્ર આકાશ વાઘેલા પણ મોટરસાયકલ મારફતે આવ્યો હતો.
ત્યારે સાગર આરોપીઓને સમજાવતો હતો કે તમે પાડોશી થઈને કેમ ઝઘડો છો? ત્યારે શુભમ સાગરને કહ્યું હતું કે તું અમને કહેવા વાળો કોણ? તારે આ મેટરમાં વચ્ચે પડવું નહીં તેમ કહીને ગાળો આપવા લાગ્યો હતો. જેથી સાગરે ગાળો આપવાની ના પડતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ ત્યાર બાદ સાગરને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા.