આર્મીની જિપ્સી પલટી જતાં આગથી ત્રણ જવાનોનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/army-jeep-1024x858.jpg)
આગમાં પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ-ઘાયલ જવાનોને સૂરતગઢના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા
શ્રીગંગાનગર, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા શ્રીગંગાનગર જિલ્લાના રાજિયાસર પોલીસ સ્ટેશનની હદમાં બુધવાર રાત્રે એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં ભારતીય સેનાની એક જિપ્સી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. દુર્ઘટના બાદ જિપ્સી પલટી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. તેનાથી જિપ્સીમાં સવાર આર્મીના ત્રણ જવાનોનાં મોત થયા. 3 soldiers burnt alive- 5 injured as Army vehicle overturns in Rajasthan’s Sriganganagar
પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૂરતગઢ-છતરગઢ રોડ પર ઈન્દિરા ગાંધી કેનાલની ૩૩૦ આરડીની પાસે બુધવાર અડધી રાત્રે લગભગ અઢી-ત્રણ વાગ્યે થઈ. અહીં આર્મીની એક જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી ગઈ. પલટતાં જ જિપ્સીમાં ભીષણ આગ લાગી ગઈ.
દુર્ઘટનામાં જિપ્સીમાં સવાર આર્મીના ૩ જવાનનું આગની ઝપટમાં આવી જતાં મોત થયું. બીજી તરફ પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સૂરતગઢના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આર્મીના આ જવાન બઠિંડાની ૪૭-એડી યૂનિટના હોવાનું કહેવાય છે.
આ તમામ જવાન યુદ્ધ અભ્યાસ માટે સૂરતગઢ આવ્યા હતા. ઘટના બાદ આસપાસના ગામ લોકોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં ૩ જવાનનાં મોત થઈ ચૂક્યા હતા. ગામ લોકોએ જાણ કરતાં રાજિયાસર પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પાચ ગંભીર રીતે ઘાયલ જવાનોને સૂરતગઢની ટ્રોમા હૉસ્પિટલમાં લઈ ગયા.
તેમની સાથે જ ૩ મૃત જવાનોના પાર્થિવદેહને સૂરતગઢ હૉસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ જિપ્સીમાં સવાર ત્રણ જવાન ઘાયલ થઈને બેભાન થઈ ગયા હતા. તેઓ જિપ્સી માં જ ફસાઈ ગયા હતા. તેના કારણે તેઓ આગની ઝપટમાં આવી ગયા. મૃતકોમાં આર્મીના સુબેદાર હોવાનું કહેવાય છે. અન્ય બે આર્મીના જવાન છે.