Western Times News

Gujarati News

૨૦ વિદ્યાર્થિનીઓ અને ૩ શિક્ષકોએ ૧૨ દિવસોમાં બનાવી ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના અઢાર શ્લોક દર્શાવતી વિરાટ રાખડી

અમદાવાદની સાધના વિનય મંદિર શાળાની વિદ્યાર્થિનીઓએ ૧૪૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે  રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી રાજ્યની બહેનો સાથે  કરી હતી. 

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના પર્વની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રી સમક્ષ અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં સ્થિત સાધના વિનય મંદિરની વિદ્યાર્થિનીઓએ ૧૪૦ ફૂટ લાંબી રાખડી રજૂ કરી હતી. ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના અઢાર શ્લોક દર્શાવતી આ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

ભૂયંગદેવની સાધના વિનય મંદિરની ૨૦ વિદ્યાર્થિનીઓ અને ૩ શિક્ષકોએ મળીને ૪૫ મીટર કાપડ, ઉનના દોરામાંથી જાતે બનાવેલા ૩૬ બુટ્ટા, ૩૦૦ નંગ ઝૂમકા, ૩૦૦ નંગ નાની રાખડી, ગુંદર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને ૧૨ દિવસમાં આ આકર્ષક રાખડી બનાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂયંગદેવની સાધના વિનય મંદિરના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા છેલ્લાં ૧૯ વર્ષથી જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવે છે. અગાઉ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘G-20’,  ‘કોરોના વોરિયર્સ’, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સહિતની જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવી હતી.

શાળાના ટ્રસ્ટી શ્રી પંકજભાઈ પટેલ, ઇન.આચાર્ય શ્રી જગદીશભાઈ પટેલ અને નિયામક શ્રી રવીન્દ્રભાઈ પટેલે આ ભવ્ય રાખડી બનાવવા અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.