3 હજાર કરોડના સટ્ટામાં આ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરનો હાથ
અમદાવાદમાં ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાડતા રાજસ્થાની બુકીની ધરપકડ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત પોલીસે ત્રણ હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમાડનારા રાજસ્થાની બુકીની ધરપકડ કરી છે. રાજસ્થાનનો બુકી અને મહાદેવ એપનો ભાગીદાર બાલમુકુંદ ઈનાની અમદાવાદના રસ્તે દુબઈ ભાગી જવાની યોજનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો.
તેનું કારણ એ હતું કે અમદાવાદ પોલીસ પીએમના આગમનને લઈને તૈયારીઓમાં વ્યસ્ત હતી. તેથી તેને એમ હતું કે તે પોતે સરળતાથી ભાગી જશે, પરંતુ અમદાવાદ પોલીસે તેનું આ આયોજન પાર પાડવા ન દીધું. બાલમુકુંદ ઈનાની મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રાકરનો ભૂતપૂર્વ ભાગીદાર હતો. તે રાજસ્થાનના ચિત્તોડગઢમાં કપાસન નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર છે.
મહાદેવ એપ બાદ જોગણીયા બુક નામની એપ દ્વારા દેશભરમાં સટ્ટો રમાડતો હતો. બાલમુકુંદનું અંદાજિત ટર્નઓવર ૨૦૦૦ થી ૩૦૦૦ કરોડ રૂપિયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ગુજરાતમાં તેમના નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. સમગ્ર કાર્યક્રમ માટે એરપોર્ટ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ બધું ચાલી રહ્યું હતું ત્યારે અમદાવાદ શહેરના ઝોન ૪ના લેડી ડીસીપી કાનન દેસાઈને ફોન આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે એક સમયે મહાદેવ એપના ભાગીદાર એવા બાલમુકુંદ ઈનાની હવે અમદાવાદ એરપોર્ટ પરથી ભાગીને દુબઈ જઈ રહ્યા છે. તે રાજસ્થાનમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ છે અને કોંગ્રેસ સાથે સંબંધ ધરાવે છે.