Western Times News

Gujarati News

શિક્ષણ સેવા વર્ગ-૨ની પરીક્ષામાં ૩ હજાર શિક્ષકોને તક નહીં મળે

નવી દિલ્હી, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ સેવા વર્ગ-૨ના ૩૦૦ અધિકારીની ભરતી કરવામાં આવનાર હોવાનું દર્શાવાયું છે. આ અધિકરીઓની ભરતી માટે જુલાઈ-૨૦૨૫માં જાહેરાત પ્રસિદ્ધ કરાશે.

જાહેરાત પ્રસિદ્ધ તારીખે સરકારી શાળામાં શિક્ષક તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ફરજિયાત મગાયો છે. જેથી રાજ્યના ૩ હજાર શિક્ષકો પરીક્ષાથી વંચિત રહે તેવી શક્યતા છે.

૩ હજાર શિક્ષકોને જુલાઈ- ૨૦૨૫ વખતે અનુભવમાં માંડ પાંચથી સાત માસ જેટલો સમય ખુટતો હશે જેથી તેઓ પરીક્ષા માટે લાયક નહીં બને. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૨૦૨૫માં યોજાનારી વિવિધ ભરતી અંગેનું કેલેન્ડર તાજેતરમાં જાહેર કરાયું છે.

જીપીએસસીએ જાહેર કરેલા કેલેન્ડર મુજબ, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ (વહીવટી શાખા)ના ૨૦ અને વર્ગ-૨ના ૩૦૦ અધિકારીઓની ભરતી કરવામાં આવશે. આ ભરતીની જાહેરાત હાલના આયોજન મુજબ જુલાઈ-૨૦૨૫માં આપવામાં આવશે અને નવેમ્બર-૨૦૨૫માં પ્રાથમિક કસોટી યોજાશે.

આ ભરતી અંતર્ગત વર્ગ-૨ના અધિકારીની ભરતીમાં સરકારી શાળામાં શિક્ષક તરીકેની પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા શિક્ષકો જ ઉપસ્થિત રહી શકતા હોય છે. આ સંજોગોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં જે શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, તેવા શિક્ષકોને વર્ગ-૨ની પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવી શકે છે.

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવેમ્બર-૨૦૨૦ અને સરકારી માધ્યમિક શાળામાં જાન્યુઆરી-૨૦૨૧માં અંદાજે ૩ હજાર શિક્ષકોને નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા. જેથી જીપીએસસીના કેલેન્ડર મુજબ જુલાઈ-૨૦૨૫ના સમયે ઉચ્ચતર માધ્યમિકમાં નિમાયેલા શિક્ષકોને ૫ મહિના અને માધ્યમિકમાં નિમાયેલા શિક્ષકોને ૭ મહિનાનો સમય પાંચ વર્ષ પૂર્ણ થવામાં ઓછો પડશે.

વર્ષ ૨૦૨૦-૨૧ની ભરતીમાં નિમણૂક પામેલા શિક્ષકોએ માગણી કરી છે કે, જીપીએસસી દ્વારા જુલાઈના બદલે જાન્યુઆરી-૨૦૨૬માં ભરતીની જાહેરાત આપવામાં આવે તો છેલ્લી ભરતીના શિક્ષકો પણ ભરતી માટે લાયક ઠરી શકશે. જેથી આ ૩ હજાર શિક્ષકો પણ વર્ગ-૨ના અધિકારી બનવા માટે પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.