પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મહીલા કર્મચારીઓની વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત કરવા માટે પહેલી વખત આયોજન

8 મનપામાંથી 3 મહીલા કર્મચારીને પ્રજાસત્તાક દિને વિશેષ આમંત્રીત કરાશે
(એજન્સી)વડોદરા, કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની કરવામાં આવનારી ઉજવણીમાં વડોદરા સહીત રાજયની આઠ મહાનગર પાલિકામાંથી ત્રણ મહીલા કર્મચારીને વિશેષ આમંત્રીત કરવા માટે યાદી તૈયાર કરવાની કવાયત કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતથી લઈને નવી દિલ્હી સુધી સ્વતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જેમાં દર વર્ષે તા.૧પ ઓગષ્ટના રોજ અને તા.ર૬ના જાન્યુઆરીના રોજ સમારોહ યોજવામાં આવે છે લોકસભાની ચુંટણી આગામી વર્ષે મધ્ય ભાગમાં યોજાય તેવી શકયતા છે. આ સંજાગોમાં ભારત સરકાર દ્વારા તા.ર૬ જાન્યુઆરી ર૦ર૪ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મહીલા કર્મચારીઓની વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત કરવા માટે પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણીમાં દરેક મહાનગર પાલીકા દીઠ ત્રણ મહીલા કર્મચારીને આમંત્રણ આપવા માટે કેન્દ્ર સરકારે નવી પહેલ શરૂ કરી છે. જે મુજબ ગુજરાતની આઠ મહાનગર પાલિકાને આ મુજબ યાદી મોકલી આપવા સુચના આપવામાં આવી છે. જેમાં વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાના સમાવેશ થાય છે.