30થી વધુ તાલુકાઓમાં વરસાદની અસરથી ખેડૂતોના કૃષિ પાકને નુકશાન
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પૂર અતિવૃષ્ટિથી ખેતી પાકના નુકસાનનું સર્વે પુરૂ થઈ ગયું છે.ત્યારે પ્રભાવિત વિસ્તારો માટેનું સહાય પેકેજ મુખ્યમંત્રી સમક્ષ વિચારણા હેઠળ છે.જેની સત્તાવાર જાહેરાત આગામી બે દિવસમાં થવાની પુરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે.
જોકે આ નિર્ણય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ વચ્ચે વિશેષ બેઠક મળશે અને ત્યાર બાદ બુધવારની કેબિનેટ બેઠકમાં જ આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવે તેમ મનાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ બાદ પાછળથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોના 30 વધુ તાલુકાઓમાં પણ વરસાદની અસરથી ખેડૂતોના કૃષિ પાકને વ્યાપક નુકશાન થયું હતું તો બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરીને તાત્કાલીક સર્વે કરી સહાય પેકેજ આપવાની જાહેરાત કરી હતી.
જોકે હજુ સુધી અસરગસ્ત ખેડૂતોને સરકાર તરફથી કોઇ જ સહાય પ્રાપ્ત થઇ નથી પરંતુ આ બાબતે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર અને અતિવૃષ્ટિ ના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હતું અને ત્યારબાદ સરકારે તાત્કાલિક સર્વે કરવાના આદેશ કર્યા હતા.
આ દરમિયાન સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં થયેલી અતિવૃષ્ટિની સાથે સાથે રાજ્યના અન્ય 30થી વધુ તાલુકાઓમાં પણ વરસાદની અસર વર્તાઈ હતી ત્યારે આ વિસ્તારોમાં પણ સરકાર કૃષિ સહાય આપે તેવી માંગણી સાથેની રજૂઆત ધારાસભ્યો અને સાંસદો તરફથી સરકારને મળી હતી. ત્યારે આવા કિસ્સાઓમાં પણ મુખ્યમંત્રીએ જે તાલુકાઓમાં વરસાદથી પાકને નુકસાન થયું છે તેવા પ્રભાવિત વિસ્તારો નું સર્વે કરવાનો આદેશ કર્યો હતો.